www.VankarSamaj.com

By Bharat Dabhi

 

વેબસાઇટના આ વિભાગમાં અમો આપણા વણકરસમાજના વિકાસ માટે કાયૅશીલ વણકરભાઇઓની વિગતો પ્રકાશીત કરીશું અને આપણા બહોળા સમાજથી તેઓને પરીચીત કરાવીશુ.

*** BACK TO HOME ***

 

સ્વ. કાનજીભાઇ રાઠોડ (ભારતીય ફિલ્મ જગતના સર્વ પ્રથમ સફળ કોમર્શીયલ ફિલ્મ ડાયરેકટર)

સ્વ. કાનજીભાઇ રાઠોડનો ઉલ્લેખ સહુ ફિલ્મ ઇતિહાસકારો એકિ અવાજે સમગ્ર ભારતના સર્વ પ્રથમ સફળ કોમર્શીયલ ફિલ્મ ડાયરેક્ટર તરીકે કરે છે. હાલ નવસારી જિલ્લાના મરોલી નજીક પોંસરા ગામે ૧૮૯૯ માં માયાવંશી વણકર શ્રી જગાભાઇ મીઠાભાઈ રાઠોડના ઘરે જન્મેલ કાનજીભાઇએ મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ પાંચ સુધીનો અભ્યાસ કર્યો હતો. કાનજીભાઇએ ફિલ્મ કારકિર્દિની શરુઆત ઓરિએંટલ ફિલ્મ કંપનીમાં ફોટૉગ્રાફર તરીકે કરી હતી. જેની ૧૯૧૭ માં બનેલ ફિલ્મ "નરસિંહ મહેતા" (તે જમાનામાં મુંગી ફિલ્મો બનતી હતી) માં તેઓ મુખ્ય હિરો તરીકે હતા. ગાંધી-આંબેડકરનો પ્રભાવ શરુ થાય તે પહેલા અછુત દલિત કોમનો કોઇ વ્યક્તિ તે સમયે ફિલ્મમાં મુખ્ય હિરો બને તે ઐતિહાસીક બાબત કહેવાય.

 

ભારતીય ફિલ્મ ઇતિહાસમાં અંગ્રેજ સરકાર દ્વારા સૌપ્રથમ પ્રતિબંધીત ફિલ્મ તરીકે ૧૯૨૧ માં કાનજીભાઇ દિગ્દર્શીત "ભકત વિદુર" (રોલેટ એક્ટ આધારીત ગાંધીજીની તરફેણ કરતી) નુ નામ ઇતિહાસમાં નોંધાયેલ છે. સાંપ્રત ઘટના પરથી ફિલ્મ બનાવનાર સૌ પ્રથમ કાનજીભાઇ રાઠોડ હતા જેમણે મુંબઇના બહુચર્ચિત ડબલ મર્ડર કેસ પર આધારીત "કાલા નાગ" ફિલ્મ ૧૯૨૧ માં બનાવી હતી. ૧૯૩૧ માં બોલતી ફિલ્મોની શરુઆત થઈ એ વર્ષે મુંબઈમાં બનેલ ૧૭ બોલતી ફિલ્મોમાંથી પાંચ ફિલ્મો કાનજીભાઈના ડાયરેકશનમાં બનેલી. કાનજીભાઈના ડાયરેકશનમાં છેલ્લી ફિલ્મ હતી ૧૯૪૯ માં બનેલી "શેઠનો સાળો". ૧૯૨૦-૧૯૪૯ ની ફિલ્મ કારકિર્દિમાં કાનજીભાઈએ ૭૬ ફિલ્મોનુ ડાયરેકશનમાં કરેલ જેમાંની મોટા ભાગની ફિલ્મો તે સમયે સિલ્વર - ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરેલ. મુંગી ફિલ્મોમાં હિટ ગયેલ સૌથી વધુ ફિલ્મો બનાવનાર તરીકે માયાવંશી વણકરપુત્ર કાનજીભાઇ રાઠોડનુ નામ આવે છે. ૩૧-૧૨-૧૯૭૦ ના રોજ અવસાન પામેલ કાનજીભાઈને એક જ સંતાન હતુ જે ૧૬ વર્ષની વયે માંદગીથી અવસાન પામેલ. તેમના વારસદારમાં કોઇ હયાત નહિ હોઈ તેમનો આવો ગૌરવવંતો વારસો જળવાઈ નથી શક્યો તેમ છતાં મુંબઈ નિવાસી શ્રી રમણભાઈ રાઠોડે જ્યાં ત્યાંથી મળે તેટલી વિગતો મેળવી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ - મુંબઈ દ્વારા ૨૦૧૫ માં તેમનુ જીવન ચરિત્ર પ્રકાશીત કર્યુ હતુ.

સ્વ. શ્રી કાનજીભાઇ રાઠોડ,

ગામઃ પોંસરા;
તાલુકોઃ - જીલ્લોઃ નવસારી

શ્રી કે.કે.વણકર (ક્ચ્છ વિસ્તારના અગ્રણી સમાજસેવી)

ભુજ તાલુકાના અંતરીયાળ વિસ્તારના નાનકડા ગામ વડવા (હોથી) ના વણકર (મેઘમારુ) ગરીબ કુટુંબમાં તારીખ ૨૭-૦૭-૧૯૫૩ માં જન્મેલા કારાભાઇ ખીમજીભાઇ વણકર દલિતોમાં ઉત્તમ કક્ષાની ઉમદા કામગીરી સાથે સામાજિક, રાજકિય અને ધાર્મીક સેવાની પ્રવૃત્તિમાં બચપણથી જ જોડાયેલ. બાજુના ગામ હાજાપરની લોકલ બોર્ડ સંચાલિત પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પુરુ કર્યુ. આગળ ભણવાની ઇચ્છા હોવા છતાં આર્થીક પરિસ્થીતિને તાબે થઇ કુટુંબમાં મોટા ભાઇના નાતે જવાબદારી સ્વીકારી પિતાને મદદ કરવા મજુરી કામે લાગ્યા અને બાપદાદાના વારસાગત વણાટકામમાં જોતરાયા અને રોજગારી અર્થે ૧૯૬૮માં સહકુટુંબ કુકુમા ગામે આવી વસ્યા.
 

ભુજથી માત્ર ૧૧ કિલોમીટરના અંતરે આવેલા કુકમા ગામની પંચાયતમાં સભ્ય તરીકે ચુંટાઇ જાહેર જીવનમાં પ્રવેશ્યા. સરકારની વિવિધ યોજનાની વિગતો માહિતિ કચેરીમાંથી મેળવી કુકમા ગામમાં આંગણવાડી શરુ કરી અને તબીબીસેવા કેમ્પોનુ સફળ આયોજન કર્યુ. ૧૯૮૦ માં સ્થાનિક વણકરસમાજને મદદરુપ થવા વણકર જુથ ઉત્પાદક સહકારી મંડળીની શરુઆત કરી જેના દ્વારા વણાટકામના કારીગરોને સ્વરોજગારી પુરુ પાડવા તેઓના હાથશાળ અને હાથવણાટના કામોમાં તકનીકિ સુધારો લાવ્યા અને તેઓ દ્વારા નિર્મિત ઉત્તમ પ્રકારની નવી નવી ડિઝાઇનોની શાલો અને અન્ય બનાવટોના વેચાણ માટે અમદાવાદ, દિલ્હિ, હરીયાણા, ઓરીસ્સા, લુધીયાણા, બેંગલોર, કલકત્તા, મુંબઇ, મદ્રાસ વગેરે સ્થળોએ વિવિધ પ્રદર્શનોમાં વેચાણ દ્વારા આર્થીક અને સામાજિક પરીવર્તન લાવવા પ્રયત્નશીલ રહ્યા. સરકારી યોજનાઓની મદદથી કુકમા ગામની વણકર જુથ ઉત્પાદક સહકારી મંડળી માટે ઓફિસ, ગોડાઉન, કારીગરો માટે વર્કશોપ તથા પાવરલુમની વ્યવસ્થા કરી મંડળીનો અનેરો વિકાસ સાધવામાં તેઓ પાયારુપ બન્યા. તદઉપરાંત વણકરસમાજના કુટુંબોને નવી શરતે પડતર જમીન મંજુર કરાવી ખેડુતોને ખાતેદાર પણ બનાવ્યા તથા રહેણાંક માટે ૧૦૦ ચોરસ વારના પ્લોટ અપાવવાની જહેમત ઉઠાવી. કુકમા ગામની વણકર જુથ ઉત્પાદક સહકારી મંડળીના અનુભવથી જીલ્લાના અન્ય સ્થળોએ આવી સહકારી ચળવળ આગળ વધારવામાં તેઓ માર્ગદર્શક બન્યા, પરીણામે શ્રી મેઘજીભાઇ માહેશ્વરી, શ્રી લખુરામ ગોરડિયા વગેરેના સહકારથી ૧૯૮૦ થી ૧૯૯૦ સુધીના સમયમાં કચ્છના જુદા-જુદા ગામો-વિસ્તારોમાં ૧૧૦ ઉપરાંતની વણકર સહકારી મંડળીઓની સ્થાપના થઇ જેના પરીણામે આગળ જતા સર્વપ્રથમ વાર જીલ્લા કક્ષાએ હાથ વણાટ અને હસ્તકલા મંડળીઓના ઔધોગિક સંઘની સ્થાપના થઇ. ૧૯૮૫માં અંજાર તાલુકાના બાનીયારી ગામના દલિતોને હિજરત કરવાની ફરજ પડી ત્યારે પણ તેઓએ આ સંવેદનશીલ-વિવાદાસ્પદ પ્રશ્નનો શાંતિભેર ઉકેલ લાવવા ઉમદા કામગીરી કરી હતી.
 

સમાજસેવામાં અગ્રેસર રહેતા તેઓએ વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત વણકરસમાજના અને અન્ય દલિત સમુદાયના ગરીબ અને નાના પાયાના વ્યવસાયીક કારીગરોને બેંકોમાંથી લોન સહાય અપાવી, સ્વનિર્ભર બનાવી સમાજમાં આમુલ પરીવર્તન આણવા સખત જહેમત ઉઠાવી મુઠી ઉંચેરા માનવીનુ બિરુદ સમાજમાં પામ્યા. ૧૯૮૪ માં સરકારમાંથી વણકરસમાજને મળવાપાત્ર સબસીડિઓ બારોબાર વગે થઇ જવાના કિસ્સામાં અને અનેકવિધ સમાજ ઉપયોગી સરકારી યોજનાઓના અમલમાં ચાલતી ખાયકિ અને ભ્રષ્ટાચાર વિરુધ્ધ તેઓ કચ્છ જીલ્લા હસ્ત કારીગર અને વણકર મંડળના મંત્રી તરીખે ઉપવાસ પર ઉતરેલા અને ૧૩ દિવસની અહિંસક લડાઇ બાદ સરકાર પાસેથી સમાજને મળવા પાત્ર આર્થીક સહાયો મેળવી આપેલ. આ પ્રસંગ બાદ તેઓ સામાજીક સેવા સાથે સ્થાનિક રાજકારણ વર્તુળોમાં પણ સક્રિય બનેલા અને વિવિધ રાજકીય સંગઠ્નોમાં આજ દિન સુધી કાર્યરત છે. તે ઉપરાંત ધાર્મિક કાર્યક્રમોના આયોજનોમાં તેઓ અગ્રેસર રહે છે અને અવારનવાર રાજ્યભરના સાધુ સંતોનુ સંમેલન, રામદેવપીરની કથા / પાઠ આયોજીત કરે છે.

શ્રી કે.કે.વણકર,

ગામઃ કુકમા;
તાલુકોઃ ભુજ; જીલ્લોઃ કચ્છ
ફોનઃ +૯૧૯૮૨૫૯૬૧૪૯૩

ડો. પી. જી. જ્યોતિકર, અમદાવાદ

એક પ્રખર આંબેડકરવાદી તરીકેની ઓળખ ધરાવતા ડો. પ્રિયદર્શી ગણેશભાઇ જ્યોતિકરનો જન્મ 24-06-1937 ના રોજ એક ગરીબ મિલ મજુર કુટુંબમાં થયેલો. 1962માં અર્થશાસ્ત્ર અને રાજનિતિના વિષયમાં MA કર્યા બાદ 1964માં LLB નુ શિક્ષણ પુરુ કરી તેઓ 1967માં નોકરીમાં જોડાયા જ્યાં 1983 સુધી ગુજરાતની વિવિધ કોલેજોમાં ઇતિહાસના લેકચરર તરીકે અને ત્યારબાદ 1995 સુધી ગાંધીનગર ખાતે ગવર્મેન્ટ આર્ટસ કોલેજના ઇતિહાસ વિભાગના ડિન તરીકે કાર્યરત રહ્યા. નોકરી દરમીયાન 1989માં સરદાર પટેલ યુનિવર્સીટી, આણંદથી “ગુજરાતની આંબેડકરી ચળવળોનો ઇતિહાસઃ 1920-1970” વિષયમાં ડોક્ટરેટ (PH.D.) થયા. 1952ના અભ્યાસકાળથી જ તેઓ આંબેડકર ચળવળના સક્રિય કાર્યકર્તા રહેલા. 1955-1958 દરમીયાન અખીલ ભારત અનુસુચિત જાતિ વિધાર્થી સંઘના પ્રમુખ તરીકે; 1957 થી મહા બોધી આંબેડકર મિશનના સ્થાપક અને મહામંત્રી તરીકે; 1962-1966 દરમિયાન Depressed Class Graduates Association ના સંસ્થાપક અને કન્વિનર તરીકે; 1984-1990 દરમીયાન SC એડિટર્સ એસોશીએશનના મહામંત્રી તરીકે; 1957-1980 દરમીયાન આંબેડકરવાદી વિચારધારાને વળેલા સામાયિક “જ્યોતિ” ના તંત્રી તરીકે; 1980-1985 દરમીયાન ગુજરાત સરકાર કોલેજ પ્રાધ્યાપક એસોશીયેશનના કમીટિ મેમ્બર તરીકે; 1991-1993 દરમીયાન ડૉ. આંબેડકર સ્થાપીત રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ઉપ-પ્રમુખ તરીકે તથા ગુજરાત ઇતિહાસ પરીષદ, તિબેટ ફ્રેન્ડશિપ સોસાયટી વગેરે જેવી સંસ્થાઓના આજીવન સભ્ય અને હોદ્દેદાર તરીકે તેઓ સેવારત છે. 1974માં જાપાનમાં 21મા વિશ્વ શાંતિ અધિવેશનમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરેલુ તેમજ 1978માં બૌધ્ધ વિશ્વ શાંતિ અધિવેશનમાં ભાગ લેવા શ્રીલંકાના પ્રવાસે પણ તેઓ જઇ આવ્યા. ગુજરાતી સાથે અંગ્રેજી, હિંદિ, મરાઠી, સંસ્કૄત્ત – પ્રાકૃત્ત ભાષાઓમાં પ્રભુત્વ હોવાથી ‘બાબાસાહેબ આંબેડકર’ (હિંદિમાંથી ગુજરાતીમાં); ‘કોનો ધર્મ સાચો?’ (હિંદિમાંથી ગુજરાતીમાં); ‘સાચો માર્ગ’ (હિંદિમાંથી ગુજરાતીમાં) વગેરે જેવા આંબેડકર અંગેના ઘણા પુસ્તકો, લખાણો અને વક્તવ્યોનુ ગુજરાતીમાં ભાષાંતર અને સંકલન કરી સરકાર અને સમાજને ભેટ ધરવાનો શ્રેય તેમને જાય છે. ગુજરાત રાજ્ય યુનિ., ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા 1997માં પ્રકાશીત (ત્રીજી આવૃત્તિ) ‘અર્શ દ્રષ્ટા ડૉ. બાબાસાહેબ આંબેડકર’; ડો બાબાસાહેબ આંબેડકર જન્મ શતાબ્દી ઉજવણી સમિતિ, ગુજરાત યુનિવર્સિટી દ્રારા 1991માં પ્રકાશીત ‘ગુજરાતની આંબેડકરી ચળવળોનો ઇતિહાસઃ 1920-1970’; શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા 1995માં પ્રકાશીત અને રુપિયા 25000 થી પુરસ્કૃત્ત ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ચરીત્ર’ વગેરે જેવા દુર્લભ પુસ્તકોના તેઓ લેખક છે. આ ઉપરાંત અસંખ્ય સંશોધન પત્રો, સેમિનારો, રેડિયો – ટેલિવિઝન કાર્યક્રમોની ચર્ચાઓમાં તેઓએ ભાગ લિધેલો છે. તેઓના આજીવન સેવાકાર્યો અને સાહિત્ય ક્ષેત્રે રહેલ નોંધપાત્ર યોગદાન માટે થઇ આંબેડકર જન્મ શતાબ્દી ઉજવણી સમિતિ – લંડન દ્વારા તેઓને 14-04-1989 ના રોજ “ભીમ રત્ન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવેલ. ગુજરાત સરકારે 1998 માં રુપિયા 1 લાખના ઇનામ સાથે "ડો. આંબેડકર એવોર્ડ" થી તેમને નવાજેલા. દલિત અધિકાર સંઘ અને અન્ય અસંખ્ય સંસ્થાઓ દ્વારા પણ તેઓને સન્માનીત કરવામાં આવેલા છે. આજે પણ 77 વર્ષની ઉમરે તેઓ દલિત ઉત્થાન પ્રવૃત્તિઓમાં અને સાહિત્ય લેખન કાર્યોમાં ડુબેલા રહે છે અને સમાજને કશું નવુને નવુ આપવા પ્રયત્નશીલ છે.

ડો. પી. જી. જ્યોતિકર (MA, LLB, Ph.D.) ,

21, આનંદ વિહાર સોસાયટી,
દાણીલિમડા, અમદાવાદ – 380028
ફોનઃ +917925323652

ડૉ. પી.એ.પરમાર, મહેસાણા

ડૉ. પી.એ.પરમાર નો જન્મ 06-04-1955 ના રોજ મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના કુવાસણા ગામે વણકર મિલમજુર અને પરંપરાગત ખેડુત કુટુંબમાં પિતા અંબાલાલ કાળીદાસ પરમાર અને માતા કંકુબેન ના ત્યાં થયેલો. તેઓના કુટુંબમાં વણાટકામ પણ વ્યવસાય હતો. અમદાવાદમાં તેઓએ એમ.એ. સુધીનુ શિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત સરકારના માહિતિ ખાતામાં 1977માં જોડાયા જ્યાં 35 વર્ષની પ્રસંશનીય સેવા બાદ 2012માં નિવૃત્ત થયા. 2012માં તેઓએ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સીટીમાંથી ડોક્ટરેટ (PH.D.) કર્યુ. તેઓ છેલ્લા 26 વર્ષથી લેખનકાર્ય દ્વારા સાહિત્ય સેવાનો જ્ઞાનયજ્ઞ દલિત-લલિત સમાજ માટે ચલાવી રહ્યા છે. તેઓ દલિત ચળવળના વિચારક લેખક અને સામાજીક ચિંતક છે સાથે ઇતિહાસ વિષયના સફળ અને સમર્થ સંશોધક છે. દલિત સમાજનો, ભારતના બંધારણનો, ડો. આંબેડકરની ચળવળનો ઇતિહાસ લખી ઇતિહાસની વિકૃતિને અટકાવવામાં તેમનો સિંહફાળો છે. પત્રકારત્વમાં પણ તેઓનુ યોગદાન છે. ગુજરાતના પ્રમુખ દૈનિકો જેવા કે સંદેશ, ગુજરાત સમાચાર, રખેવાળ, હમલોગ, સરહદનો સાદ, નિભાવ, નવગુજરાત ટાઇમ્સ, ગુજરાત મિત્ર, ગુજરાત ટુડે, જનસત્તા, આજકાલ, જનગણ, લોકમાન્ય દૈનિક, વેસ્ટર્ન ટાઇમ્સ ઉપરાંત ઘણા બધા સામયિકો, સાપ્તાહિકો, પાક્ષીકોમાં 600 ઉપરાંતના વિવિધ લેખો લખેલ છે. લેખન ઉપરાંત ચિત્રકલા ક્ષેત્રે પણ તેઓ કુશળ કલાકાર સાબિત થયા છે. લગભગ 25 વર્ષના સંશોધનો અને 5 વર્ષની મહેનતથી તેઓએ 2004માં "ભારતના વણકરોઃ ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિ" નામે 600 પાનાનો દુર્લભ ગ્રંથ લખેલો તેમજ 2012માં પ્રકાશીત "ગુજરાતના વણકરોનો ગૌરવવંતો ઇતિહાસ" દ્વારા વણકરસમાજના ઘણા ઐતિહાસીક તથ્યોને વાચા આપી વણકરસમાજના ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયત્ન કરેલો. ગુજરાત સરકારના માહિતિ વિભાગ દ્વારા તેઓના શ્રેષ્ઠ લેખન બદલ ઉત્તર ગુજરાતમાં ત્રીજુ ઇનામ; ભારતીય દલિત સાહિત્ય અકાદમી, દિલ્હિ દ્વારા 1995માં ડો. બાબા સાહેબ આંબેડકર ફેલોશીપ એવોર્ડ વગેરે દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવેલા છે. આ ઉપરાંત તાજેતરમાં 01-01-2014 ના રોજ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગદ્વારા દલિત સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન બદલ "સંત કબીર દલિત સાહિત્ય પુરસ્કાર" થી તેઓને સન્માનિત કરાયેલ.

ડૉ. પી.એ.પરમાર (MA, Ph.D.) ,

૮-બી, ધર્મભુમી સોસાયટી,
જીઇબીની પાછળ, મહેસાણા - ૩૮૪૦૦૧
ફોનઃ +917359253569

શ્રી ધનજીભાઈ એમ. કેશરોલવાલા (ભરુચ) - અગ્રણી દાતાશ્રી અને સમાજસેવક

પ્રત્યેક સમાજમાં કેટલાક એવા વ્યક્તિઓ હોય છે જે તે સમાજના અગ્રણી તરીકેનુ સ્વયંભુ સ્થાન ધરાવે છે. પરંતુ આવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી કોઇક જ એવા વિરલા હોય છે જે પોતાના વિસ્તારના સર્વ સમાજના અગ્રગણ્ય વ્યક્તિ તરીકેનો માન-મોભો-પ્રતિષ્ઠા પામે છે. ભરુચ જીલ્લા વિસ્તારના વણકરસમાજમાં આવુજ એક નામ છે શ્રી ધનજીભાઈ એમ. કેશરોલવાલા. ભરુચ જીલ્લા વિસ્તારના એક અગ્રણી સમાજ સેવક અને આગળ પડતા દાતાશ્રી ધનજીભાઈ એમ. કેશરોલવાલા પિતા મથુરભાઇ દયાળભાઇ પરમાર અને માતા મણીબાને ત્યાં તારીખ ૧૩-૦૫-૧૯૬૭ ના રોજ ભરુચ તાલુકાના કેશરોલ ગામે એક ગરીબ કુટુંબમાં જન્મેલ. માત્ર સાત વર્ષની વયે પિતાનુ છત્ર ગુમાવી માતા મણીબા સાથે વિવિધ સ્થળોએ મજુરીકામ કરી, આશ્રમ શાળામાં રહિ SSC સુધીનો અભ્યાસ પુર્ણ કર્યો. ૨૨ વર્ષની ઉમરે સામન્ય બેઠક પરથી કેશરોલ ગામના સરપંચ તરીકે ચુંટાઇ આવ્યા. પિતાની છત્રછાયા ગુમાવેલ અને વિધવા મા સાથે બે બહેનો અને ત્રણ ભાઇઓના કુટુંબને આર્થીક રીતે સ્વનિર્ભર બનાવવા તેમણે અથાક મહેનત કરી. તાલુકા પંચાયતના રોડ રસ્તા બનાવવા, પશુપાલન વગેરે વ્યવસાયોમાં પોતાની મહેનત અને આગવી સમજથી પ્રગતિ કરી. આ સાથે સમાજને હમેશા મદદરુપ રહેવાની તૈયારી તો ખરીજ. વણકરસમાજ સાથે અન્ય કોઇ પણ સમાજ માટે જરુર પડે તન-મન-ધનથી મદદરુપ બનતા શ્રી ધનજીભાઈ કેશરોલવાલા દર વર્ષે ગરીબ વિધાર્થીઓને ગણવેશ-ચોપડા આપવા; ગામડાના ગરીબ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ યોજવા; ભરુચ જીલ્લા વણકરસમાજ ના કાર્યકર્મોમાં ઇનામ-વિતરણ; સમુહલગ્નોમાં મોટી રકમનુ દાન આપવા વગેરે કામોમાં આજે પણ સેવારત છે.

શ્રી ધનજીભાઈ એમ. કેશરોલવાલા,

સોમદાસ બાપુ ગૃહસ્થ આશ્રમ,
ગામઃ નવેઠા; તા / જીઃ ભરુચ - 392012
ફોનઃ +૯૧૯૯૭૮૩૧૧૪૪૪

શ્રી ઝ્વેરભાઇ સી. ચાવડા (નિવૃત IAS), અમદાવાદ

શ્રી ઝ્વેરભાઇ ચતુરભાઇ ચાવડાનો જન્મ મહેસાણા જીલ્લાના (વીસનગર તાલુકા) ઘાઘરેટ ગામે એક સામાન્ય વણકર કુટુંબમાં થયો હતો. સરકારી અધિકારી તરીકે કારકિર્દિની શરુઆત કરી ભારત સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપી હતી જેમાં ૧૯૬૦-૬૨માં વિદેશ મંત્રાલયમાં નેપાળ માટેના વિશેષ સલાહકાર તરીકે; ૧૯૮૨માં ગુજરાત સરકારના ઉપસચીવ તરીકે; ૧૯૮૦માં ગુજરાત આદિવાસી વિકાસ નિગમના મેનેજીંગ ડિરેકટર તરીકે; ૧૯૮૩-૮૬માં સાબરકાંઠા જીલ્લાના કલેકટર (IAS) તરીકે તેમજ ૧૯૯૮-૨૦૦૪માં ગુજરાત મજદુર કલ્યાણ બોડૅના ચેરમેન વગેરે જેવા મહ્ત્વના પદો પર કાયૅરત રહ્યા હતા. આજે તેઓ ગુજરાત વણકરસમાજ, પાટણની વિરમાયા સ્મારક સમિતિના ચેરમેન પદે સક્રિય રહિ પાટણ ખાતે વણકરસમાજના આદિમુકિતદાતા ભગવાન શ્રી વીરમેઘમાયાનુ રુપીયા ૩ કરોડનુ સ્મારક બનાવવા પ્રયત્નશીલ છે. આ ઉપરાંત ગુજરાતના હાથશાળ ઉધોગના મજુરો / કારીગરના વિકાસ માટે કાયૅરત સંસ્થા ડો. આંબેડકર ગુજરાત હાથશાળ કારીગર સંઘના પ્રમુખપદે; સામાન્ય વગૅના લોકોની ન્યાય માટેની લડતમાં મદદરુપ બનતા ગુજરાત સામાજીક ન્યાય સંગઠનના પ્રમુખપદે; ગરીબ અને પછાત વગૅના તેજસ્વી વિધાર્થીઓના માગૅદશૅન અને મદદરુપ બનવા કાયૅરત ચતુરમાન શીક્ષણ અને ગ્રામોધ્યોગ સંઘના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે તેઓ સક્રિય છે. તેમના રાજકિય જિવનમાં તેઓ BJPના ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તરીકે વિશેષ ખ્યાતિ ધરાવે છે

શ્રી ઝ્વેરભાઇ સી.ચાવડા (નિવૃત IAS),

૨, વિભુતિ સોસાયટી, રાધાસ્વામી સત્સંગ રોડ,

રાણીપ, અમદાવાદ - ૩૮૨૪૮૦

ફોન નંબરઃ ૦૭૯-૨૭૫૨૨૭૬૭

મુલચંદભાઇ એસ. રાણા, અમદાવાદ

શ્રી મુલચંદ સવજીભાઇ રાણા આજે બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત મેનેજર છે. ૧૯૭૫માં કોમસૅ શાખામાં સ્નાતક થઇ અને ત્યારબાદ L.L.B.  કરીને બેકિંગ ક્ષેત્રમા પ્રોબેશ્નરી ઓફિસર તરીકે તેમણે કારકિર્દિ શરુ કરી જયાં ૨૩ વષૅના કાયૅકાળ દરમીયાન પ્રગતિના શીખરો સર કરીને સીનીયર મેનેજર તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ વષૅ ૨૦૦૦થી ૨૦૦૬ સુધી Gujarat Public Service Commission માં રાજયપાલની પસંદગીથી બોડૅ મેમ્બર તરીકે સેવા આપી. મુલચંદજીએ પોતાની આ સફ્ળતાભરી  કારકિર્દિમાં વણકરસમાજ અને ખાસકરીને ગરીબ અને પછાત વગૅના ઉત્કષૅ માટે વિશેષ સમય ફાળવ્યો. બેંકમાંની નોકરી દરમીયાન ગુજરાતમાં અનુસુચિત જાતિ તેમજ જનજાતિના બેંક કમૅચારીઓનુ સંગઠન રચવામાં નોંધપાત્ર કામગીરી તેમણે બજાવી અને બેકિંગ ક્ષેત્રના વિવિધ કમૅચારી સંગઠનોમાં ઉપ:પ્રમુખ તેમજ મહામંત્રી જેવા હોદાઓનો કાયૅભાર સંભાળયો જેના માટે થઇને તેમને વ્યવસાયિકજીવનમા ઘણુ સહન પણ કરવુ પડયુ. આ ઉપરાંત આજે પણ તેઓ વિવિધ સમાજ કલ્યાણ સંસ્થાઓમા સક્રિય છે તેમજ Mahatma Gandhi Labour Institute અને Small Industries Service Institute of India જેવી સંસ્થાઓમાં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે સેવા આપે છે. મુલચંદ રાણાશ્રીનુ તાજેતરનુ પ્રકાશન Reservations in India: Myths and Realities અનામત અંગેની ભારતની પરીસ્થીતિ અને તેના પાસાઓનુ ઊંડાણભર્યુ અધ્યયન છે જે દરેકે વાંચવા જેવુ છે.

મુલચંદભાઇ એસ. રાણા (ફોન: ૦૯૨૨૮૨૨૧૪૫૨)

૯, રામ-જલારામ બંગ્લોઝ, પ્રહલાદ નગર પાસે,

સેટેલાઈટ, અમદાવાદ - ૩૮૦૦૫૧

ઈમેલઃ mulchandrana@yahoo.co.in

પી. કે. વાલેરા (નિવૃત IAS) , અમદાવાદ

શ્રી પુરુષોત્તમભાઇ કેશવલાલ વાલેરાનો જન્મ મહેસાણા (હાલના ગાંધીનગર) જીલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામે ૧૯૩૯માં ગરીબ પછાત વણકર કુટુંબમાં થયો. ધોરણ ૫ સુધીનુ પ્રાથમીક શીક્ષણ પોતાના ગામમાં અને ત્યારબાદનુ માધ્યમીક શીક્ષણ કલોલ ખાતે પુરુ કરી સરકારી નોકરી કરતાં કરતાં અમદાવાદની વિવિધ કોલેજો અને નડિયાદ ખાતેની કોલેજમાં સ્નાતક અને અનુસ્નાતક થયા. શીક્ષણમાં અતિ તેજસ્વી વિધાર્થી સાથોસાથ સાહિત્ય, નાટય, વકૃત્વસ્પધૉ વગેરેમાં સક્રિય રહ્યા હતા જેમાં વિવિધ પારીતોષીક પણ પ્રાપ્ત કરેલ. ૧૯૬૭માં પબ્લીક સર્વિસ કમીશન દ્વારા લેવાતી ડેપ્યુટી કલેકટરની ભરતીમાં સમગ્ર ગુજરાત રાજયમાં દ્વિતિય સ્થાને ઉત્તિણૅ થયેલા અને ૧૯૭૯માં IAS તરીકે નિયુકિત પામ્યા બાદ ૧૯૯૭માં ગુજરાત સરકારમાંથી સચીવકક્ષાના મત્સ્યોધોગ કમીશ્નર તરીકે  નિવૃત્ત થયા. સમગ્ર જીવન દરમીયાન અને ખાસકરીને નિવૃત્તી બાદ આપણા પછાત સમાજના ઉધ્ધાર માટે સક્રિય રહ્યા અને આજે ગુજરાત વણકર સેવા સમાજન ા મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કાયૅરત છે. તેમની ૨૦૦૭માં પ્રકાશીત આત્મકથા "થોરનુ ફુલ" આજની તેમજ આવનારી પેઢીઓ માટે ઐતિહાસીક સામાજીક દસ્તાવેજ સમી માગૅદશૅક વિકાસગાથા છે. આ ઉપરાંત "રકિતમ ઝાંય" તરીકે પ્રકાશીત થયેલ તેમના વહિવટીજીવનની રોજનીશી ભારતના દલિતવગૅની અનેરી ઝાંખી કરાવે છે.

શ્રી. પી. કે. વાલેરા (નિવૃત IAS),

૪, ભાવકુંજ સોસાયટી, રામદેવ નગર,

સેટેલાઇટ રોડ, અમદાવાદ

ફોન નંબરઃ ૯૮૨૫૨૯૮૭૬૬

(સ્વ.) ડૉ. પુરુષોત્તમરાય ગોવિંદભાઇ સોલંકિ, મુબઇ

વીસમી સદિના બીજા દાયકામાં બોમ્બે પ્રોવિન્સમાં અછુતો - વંચિતોની મુક્તિ માટે બે લડવૈયાઓ સંઘર્ષ કરી રહ્યા હતા જેમાંના એક હતા દક્ષિણ ગુજરાત માહ્યાવંશી વણકરસમાજના સપુત ડૉ. પુરુષોત્તમરાય ગોવિંદભાઇ સોલંકી અને બીજા મહારાષ્ટ્રના મહારવંશી ડો. બી.આર. આંબેડકર. ડૉ. પી. જી. સોલંકીનો જન્મ સુરતના માહ્યાવંશી વણકરસમાજના આગેવાન ગોવિંદભાઇ મીઠાને ત્યાં ૧૦-૧૨-૧૮૭૬ ના રોજ થયેલો. પિતા પશુ ડોકટર હતા અને મુંબઇના ઠાકુરદ્વાર વિસ્તારમાં પોતાના બે માળના મકાનમાં રહેતા હતા. ૧૮૮૩-૧૮૮૬ દરમીયાન પ્રાથમિક શીક્ષણ તેમણે ધોબી તળાવ બોમ્બેની માસ્તર જમનાદાસ એન્ડ કાવસજી પારસી સ્કુલમાં લીધુ અને ૧૮૮૬ થી ખેતવાડી વિલ્સન સ્કુલમાંથી માધ્યમિક શિક્ષણ લેતા ૧૮૯૪માં મેટ્રીકની પરીક્ષા પાસ કરીને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ આર્થીક પરીસ્થીતિ નબળી પડતા અભ્યાસ અવરોધાયો અને છુટક નોકરીઓમાં લાગ્યા. ત્યારબાદ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી શિષ્યવૃત્તિની મદદ મળતા પુનઃઅભ્યાસ પ્રારંભ કર્યો અને ૧૯૧૭માં વિષશાસ્ત્રમાં ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર બન્યા. કોલેજ અભ્યાસ દરમીયાન જ તત્કાલિન સુધારાવાદી મહાનુભવોના સંપર્કમાં આવતા તેઓ સમાજ સેવામાં સક્રિય બનેલા. હિંદુ સમાજ સુધારક મંડળ, પ્રાર્થના સમાજ વગેરે સંસ્થાઓમાં તેઓ જોડાયા. સ્ટુડંટ બ્રધરહુડમાં કામ કરતા તેઓ ડો. કનૈયાલાલ માણેકલાલ મુન્શી, ચંદ્રશેખર પંડયા, મહાદેવ ગોવિંદભાઇ રાનાડે વગેરેના સંપર્કમાં આવ્યા. જેમની સંગતે તેઓની સમાજ સુધારણાની વિચારસરણીને બળ મળ્યુ અને અછુતો - વંચિતોના ઉત્થાન અંગે કામ કરતા થયા. તેઓ પોતે પણ અસ્પૃશ્ય સમાજમાંથી આવેલા અને વ્યવસાય તેમજ અભ્યાસ વખતે અસંખ્ય જાતિવાદી મુશ્કેલીઓને ભોગવી હોવાથી, તેઓ આ પરીસ્થીતિને બદલવા મક્કમ બન્યા અને દલિત સમુદાયની સેવા માટે રાજકારણમાં જોડાયા. અંત્યજ વર્ગોના ઉત્થાન માટે ચાલતી ડિપ્રેસ્ડ ક્લાસ મિશન સોસાયટીના અધ્યક્ષ ન્યાયમુર્તિ નારાયણ ગણેશ ચંદાવકરની આગેવાનીમાં સમગ્ર દલિત સમાજનુ પ્રતિનિધિત્વ કરતા ૧૯૧૭ની મોન્ટેગ્યુ કેમ્સફોર્ડ પરીષદમાં તેમણે આવેદન પત્ર રજુ કર્યુ જેનો પડઘો સમગ્ર બોમ્બે પ્રોવિન્સમાં પડયો. જેમાં કોલ્હાપુરના નરેશ છત્રપતિ શાહુ મહારાજ પણ જોડાયા અને જાતિપ્રથાને જાકારો આપવાનુ એલાન કરતા ૧૪-૧૨-૧૯૧૮ ની આર્ય ધર્મ પરીષદના અધ્યક્ષસ્થાને ડૉ. પી. જી. સોલંકીની નિમણુક કરી. ગાંધીજીના પ્રયત્નોથી ગોધરા ખાતે ૧૯૧૮માં અંત્યજ પરીષદ મળી જ્યાં સુરતના વીર છત્રસિહં ઉટેકર સાથે તેઓ પણ ઉપસ્થીત રહેલ. આ સમયે તેઓ ડો. બાબાસાહેબ આંબેડકરના પરીચયમાં આવ્યા અને ૨૭-૦૧-૧૯૧૯ ના રોજ સાઉથબરો સમિતિ સમક્ષ ભારતના અછુતો - વંચિતોની દુઃખદ સ્થિતિ વર્ણવતુ આવેદન પત્ર રજુ કર્યુ. આ સાથે ડૉ. પી. જી. સોલંકીએ તેમના વતન સુરત - તાપી - નવસારી - વલસાડ વિસ્તારમાં અછુતો - વંચિતોના ઉત્થાન અને કુરિવાજ નાબુદિ માટેના સુધારાવાદી કાર્યો આરંભ્યા. તેઓની કામગીરીથી પ્રસન્ન થઈ અછુતો - વંચિતોના પ્રતિનિધિ તરીકે ગવર્નર સર લેઝ્લી વિલસ્ન તરફથી બોમ્બે વિધાન પરીષદના સભ્ય (Member of Legislative Council) તરીકે તેમની પસંદગી થઇ અને તેઓએ ૧૮-૦૨-૧૯૨૭ રોજ મુંબઇ ટાઉનહોલમાં ડો. બાબા સાહેબ આંબેડકર સાથે સોગંદવિધિ લીધા. એ સમયે ૧૧૪ સભ્યોની બોમ્બે વિધાન પરીષદમાં માત્ર બે જ દલિત સભ્યો હતાઃ ડૉ. પી. જી. સોલંકી અને ડો. બી. આર. આંબેડકર!! બ્રિટિશ સરકારે ભારતની સ્થિતિની સમીક્ષા અને તેના બંધારણ માટે નિમેલ સાયમન કમીશન જ્યારે ભારત આવ્યુ ત્યારે અછુતો - વંચિતોના પ્રતિનિધિ તરીકે સર જોહન સાયમનનુ ડૉ. પી. જી. સોલંકીએ મોલ સ્ટેશને સ્વાગત કરેલુ અને ૨૩-૧૦-૧૯૨૭ ના રોજ અછુતો - વંચિતોની વ્યાથા અંગે ડો. બાબાસાહેબ આંબેડકર સાથે કમીશન સમક્ષ સંયુક્ત રજુઆત કરતા અછુતો - વંચિતોને બોમ્બે વિધાન પરીષદમાં વસ્તીના ધોરણે ૨૨ બેઠકોની જોગવાઇ સાથે અને કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓના મનુવાદી અત્યાચારોથી રક્ષણ આપતા કાયદાની માંગ મુકિ ૧૯૮૯માં અમલી બનેલ એટ્રોસીટી એક્ટનુ બીજ રોપેલુ. અછુતો અને આદિમ જાતિઓના વિકાસ માટે એક સમિતિ નિમવાનો પ્રસ્તાવ ૦૮-૦૮-૧૯૨૮ ના રોજ તેઓએ બોમ્બે વિધાન પરીષદમાં મુક્યો જે સર્વાનુમતે સ્વીકારાતા, અંગ્રેજ અમલદાર એચ. બી. સ્ટાર્ટની અધ્યક્ષતામાં સમિતિ રચાઇ. આ સ્ટાર્ટ સમિતિએ બોમ્બે પ્રોવિન્સમાં પ્રવાસ કરી તે સમયની સામાજિક પરીસ્થીતિનો અભ્યાસ કર્યો અને તેના આધારે દલિતોને અનુસુચિત જાતિ - જનજાતિ અને અન્ય પછાત જાતિની કાયદાકિય ઓળખ આપી, તે માટેના ધારા-ધોરણો નક્કી કર્યા. આ ધારા ધોરણો આજની તારીખે પણ કોને અનુસુચિત જાતિ વર્ગમાં ગણવા કે ન ગણવા માટે અનુસરવામાં આવે છે. ડૉ. પી. જી. સોલંકીના પ્રયત્નોથી સ્ટાર્ટ સમિતિએ અનુસુચિત જાતિ - જનજાતિ વર્ગના ઉત્થાન માટે ૧૯૩૧માં ધી બોમ્બે પ્રેસિડંસી બેક્વર્ડક્લાસ બોર્ડની રચના કરી અને દરેક જીલ્લામાં બેકવર્ડ ઓફિસરોની નિમણુંક કરી. ડૉ. પી. જી. સોલંકીએ ૧૯૨૮માં અમદાવાદ ખાતે ધી ગુજરાત ડિપ્રેસ્ડ ક્લાસ એસોશીએશનની સ્થાપના કરી હતી, જેના પ્રયત્નોથી દલિત વર્ગના બાળકોને અભ્યાસ માટે અલગ આશ્રમશાળા સ્થપાયેલ. મુંબઇના હિંદુ-મુસ્લીમ તોફાનોમાં સુલેહ શાંતિની કામગીરી માટેની શાંતિ સમિતિમાં તેઓની નિમણુંક થઇ, જ્યાં તેઓની પ્રસંશનીય કામગીરી માટે, જે. પી. જસ્ટીસ ઓફ પિસના ખિતાબ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. પહેલી અને બીજી ગોળમેજી પરીષદમાં ડો. બાબા સાહેબ આંબેડકરની ઐતિહાસીક કામગીરીને બિરદાવતા અસંખ્ય સમારંભો બોમ્બે પ્રોવિન્સમાં થયા હતા જેમાં મોટા ભાગના સમાંરંભોનુ અધ્યક્ષસ્થાન ડૉ. પી. જી. સોલંકીએ શોભાવેલ. ૧૯૩૧-૧૯૩૭ દરમીયાન તેઓ બોમ્બે યુનિવર્સીટીના સેનેટર રહ્યા હતા. ગર્વનર સર ફ્રેડરીક દ્વારા ૧૯૩૧માં ફરી તેઓની બોમ્બે વિધાન પરીષદના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી અને બોમ્બે રાજ્યની નાણાકિય સમિતિના સભ્ય પણ બનાવવામાં જ્યાં તેઓ ૧૯૩૭ સુધી કાર્યરત રહેલ. ૧૯૩૨માં લોર્ડ લુથીયને બોમ્બે પ્રોવિન્સમાં મતાધિકારની સમીક્ષા કરવા "બોમ્બે ફ્રેન્ચાઇઝ સમિતિ" નિમિ જેમાં ધી ગુજરાત ડિપ્રેસ્ડ ક્લાસ એસોશીએશન અને ડૉ. આંબેડકર સ્થાપિત બહિષ્કૃત હિતકારીણી સભા સહિત સમગ્ર અછુતો - વંચિતોના પ્રતિનિધિ તરીકે તેઓને સભ્ય બનાવવામાં આવ્યા. તે જ અરસામાં ઉપવાસ પર ઉતરેલ ગાંધીજીને મનાવવા ડૉ. પી. જી. સોલંકી અને ડો. બાબાસાહેબ આંબેડકર પુનાની યેરવડા જેલ ગયા અને જે સમાધાન થયુ તેના પરીણામે ૨૪-૦૯-૧૯૩૨ ના રોજ "પુના કરાર" અસ્તીત્વમાં આવ્યો. ગાંધીજીએ હરીજન સેવક સંઘની કારોબારીમાં ડૉ. પી. જી. સોલંકીની નિમણુક કરી, જેના તેઓ આજીવન સભ્ય રહેલા. ૧૯૩૩-૧૯૩૫ દરમિયાન બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સીલર તરીકે તેઓએ ઘણા પ્રસંશનિય કાર્યો કરેલા. ૧૯૩૮માં બોમ્બે મ્યુનિસિપલ સ્કુલ કમિટીના પ્રથમ દલિત ચેરમેન તરીકે નિમાયા. તેમના જ પ્રયત્નોથી ૧૯૩૮માં અનુસુચિત જાતિ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને વણકર અને અન્ય જ્ઞાતિઓને બીજી આદિવાસી—પછાત જાતિઓથી અલગ ઓળખ અપાવી.
બોમ્બે વિધાન પરીષદના સભ્ય તરીકે ડૉ. પી. જી. સોલંકીની કામગીરીની પ્રસંશા કરતા ખુદ ડો. બાબા સાહેબ આંબેડકર થાકતા ન હતા! પત્ની રમાબાઇના ૨૭-૦૫-૧૯૩૫માં અવસાનના આઘાત અને જે દલિતમિત્રો માટે તેઓ લડિ રહ્યા હતા તેઓની જ વિશ્વાસઘાતી રાજકારણ રમતોથી કંટાળી હતાશ થયેલ બાબાસાહેબ આંબેડકર જ્યારે, બધુ છોડિ નિવૃત્ત થવા વિચારતા હતા ત્યારે, ડૉ. પી. જી. સોલંકી જ તેમની પડખે ઉભા રહેલ અને એક સાચા મિત્ર તરીકે હિમંત અને સાંત્વના આપી તેઓને હતાશાના નર્કાગારમાંથી બહાર લાવેલ. વણકરસમાજના આ વિરલ દલિત સંગ્રામના યોધ્ધા ૭૬ વર્ષની ઉમરે ૦૯-૦૪-૧૯૫૩ ના રોજ અવસાન પામ્યા. ભારતના અન્ય રાજ્યો કરતા ગુજરાતના અછુતો - વંચિતોની અને તેમાં પણ વણકરસમાજની આજે જે સારી પરીસ્થિતિ છે તે ડૉ. પી. જી. સોલંકી ના આજીવન કાર્યોની દેન છે. તત્કાલિન બોમ્બે પ્રોવિન્સ અને હાલના દક્ષિણ ગુજરાતના અછુતો - વંચિતોમાં શિક્ષણનો પ્રસાર કરવાનો શ્રેય ડૉ. પી. જી. સોલંકીને જાય છે.

માહિતિ સૌજન્યઃ ડૉ. પીજી જ્યોતિકર, અમદાવાદ

(સ્વ.) ડૉ. પુરુષોત્તમરાય ગોવિંદભાઇ સોલંકિ ,

 

મુંબઇ

સ્વ. દિવ્યાબેન શ્યામજીભાઇ મારવાડી, અમદાવાદ

દિવ્યાબેન શ્યામજીભાઇ મારવાડી, ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગના પ્રતિભાવંત નિયામક. પ્રથમ દ્રષ્ટીએ સાવ સાદા જણાય પરંતુ એમની નિડર, ગંભીર, સ્પષ્ટ અને મક્કમ વિચારસરણીથી જે કોઇ પરીચિત થાય તે પછી તેમની સમક્ષ બોલવાની હિંમત ન કરે એવા અનુભવી, અભ્યાસી અને દિર્ધદ્રષ્ટીવાળા કુશળ વહિવટદાર. ખુબજ નાની વયે કામની શરુઆત કરી અને ઉત્તરોઉત્તર કાર્યકુશળતાથી, આગવી સુઝથી, સારુ અને ભલુ કરવાની તમન્નાથી, રસપુર્વક ચીવટતાથી મન મુકિ કામ કરવાની લગનથી તેમણે જે કોઇ ક્ષેત્રમાં પગલા માંડ્યા ત્યાં પુરેપુરી સફળતા પ્રાપ્ત કરી. જ્ઞાતિએ દલિત વણકર અને પિતા શ્યામજીભાઇ નાનજીભાઇ મારવાડીના 6 પુત્રો અને 4 પુત્રીઓમાં સૌથી મોટા દિવ્યાબેનનો જન્મ 01-08-1931 ના રોજ મોસાળ અમરેલીમા થયો. પિતા મુંબઇ મ્યુનિસિપલ ગુજરાતી શાળાના આચાર્ય સાથે સુધારાવાદી સમાજ કાર્યકર અને ગરીબ – નબળા વર્ગના વિધાર્થીઓ માટે માધ્યમિક શાળા ચલાવીને તેઓને આગળ વધારનાર કેળવણીકાર તેમજ મુંબઇમાં મેઘવાળ વણકરસમાજમાં મોટાભાઇ સામંત નાનજીભાઇ મારવાડી સાથે શિક્ષણનો પાયો નાખનાર, જ્યારે માતા સોનાબેન સ્ત્રીઓને આર્થીક સ્વતંત્રતા અપાવવા નોકરી કરતી બહેનો માટે ઘોડિયા ઘર શરુ કરાવનાર, ગાંધીજીના નિકટના સાથી અને આજીવન જનસેવક. આમ માતા-પિતા બંનેના સેવાભાવી સંસ્કારો, શિસ્ત, સંયમ, સત્ય, ઉદારતા એવા તમામ સદગુણોથી દિવ્યાબેનનુ જીવન ઘડતર થયુ. મુંબઇની ફેલોશીપ હાઇસ્કુલમાં મેટ્રીક સુધીનો અભ્યાસ પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઇ પુરો કર્યો. બાદમાં મુંબઇ યુનિવર્સીટીમાંથી MA કરી ગુજરાત સરકારમાં પાલનપુર ખાતે નારી સંરક્ષણગૃહના સુપ્રીટેન્ડંટ તરીકે નોકરીમાં જોડાયા. જ્યાં તેમણે રુઢિચુસ્ત સમાજના અનેક વિરોધ સામે વહિવટીકુશળતા અને આગવી સુઝથી સેવા કરવાની ધગશથી કેટલીય વિધવા બહેનોના પુનઃલગ્ન; ત્યક્તાઓને ભરણ પોષણ અધિકાર અપાવવા, અત્યાચારનો ભોગ બનેલ બાળકો - મહિલાઓને ન્યાય અપાવવાના નોંધપાત્ર કામો કર્યા. ગુજરાત રાજ્યના જન્મ સાથે સમાજ સુરક્ષા ખાતામાં સ્ત્રી નિરિક્ષકનુ એક નવુ પદ રચવામાં આવ્યુ અને દિવ્યાબેન તે પદ શોભાવનાર પ્રથમ હોદ્દેદાર હતા. 1965 માં ગુજરાત સરકારે તેમની બુધ્ધીશક્તિ અને વહિવટી કાર્યશક્તિ જોઇ તેમને મુંબઇમાં અભ્યાસ અર્થે મોકલ્યાં જ્યાં તેમણે Tata Institute માંથી Applied Social Science (Administration) માં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. 1970 માં તેઓને અમેરીકા જવા આમંત્રણ મળ્યુ જ્યાં 27 દેશોના પ્રતિનિધોમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરતા University of Minnesota માંથી સોશ્યલ વર્કમાં સર્ટીફિકેશન કર્યુ. 1972 માં અપંગોના ખાસ અધિકારી તરીકે તેમની નિમણુક થઇ. ગુજરાતમાં અપંગો માટેની અનેક સંસ્થાઓ ઉભી કરવામાં તેમનો સિંહફાળો છે. 1979 માં નાયબ નિયામક તરીકે બઢતી મળી સાથે ગુજરાત મહિલા આર્થીક વિકાસ નિગમના પ્રથમ સેક્રેટરી અને પછી મેનેજીંગ ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત બન્યા. 1980 માં હૈદ્રાબાદની વિખ્યાત National Institute of Rural Development માં સંશોધન પધ્ધતિઓનો અભ્યાસ કર્યો. 1984 માં સ્વીડન, નોર્વે, ડેન્માર્ક વગેરે દેશોનો પ્રવાસ કરી ભારતમાંથી દત્તક લેવાયેલ બાળકોની સ્થિતિ અને વિકાસનો અભ્યાસ કર્યો. 1985 ઓક્ટોબરમાં ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગના નિયામક બન્યા અને નિવૃત્તિ સુધી આ પદ પર રહિ ગુજરાતની સ્ત્રી સંસ્થાઓનો વિકાસ કરવામાં તેમણે અનન્ય ફાળો નોંધાવ્યો. નિવૃત્તિ બાદ પણ જીવન – સંધ્યા (ઘરડાઘર) ટ્રસ્ટ, અમદાવાદ; ગુજરાત સ્ત્રી કેળવણિ મંડળ, અમદાવાદ; જ્યોતીસંઘ; ચંદનબેન દેસાઇ પુસ્તકાલય વેગેરે સંસ્થાઓમાં આજીવન સેવારત રહ્યા. તે ઉપરાંત ગુજરાત રાજ્યના ચેરીટી કમીશન તેમજ નવમી પંચવર્ષીય યોજનાની મહિલા બાળ વિકાસ કમીશનની પ્લાનીંગ સમિતિમાં પણ તેઓ સભ્ય રહેલ. આલોક પ્રકાશન દ્વારા 2002 માં ગુજરાતમાં છેલ્લા બસો વર્ષના ઇતિહાસમાં આગળ પડતી 101 નોંધપાત્ર મહિલાઓની સુચી “વિરાંગનાઓની વસુંધરા – ગરવી ગુજરાત” નામે પ્રકાશીત કરેલ જેમાં તેઓએ ગુજરાતની વિરાંગના તરીકે દિવ્યાબેનને સ્થાન આપેલુ. સમાજના નબળા – ગરીબ વર્ગના ઉત્થાન માટે, મહિલાઓના વિકાસ માટે સામાજીક કલ્યાણ અને સમાજ સુરક્ષાના ક્ષેત્રે તેઓની આજીવન વિશિષ્ટ સેવા બદલ United Nations દ્વારા ૨૦૦૪માં આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. આવા ઘડાયેલ, અનુભવી, વિષયના જાણકાર તલસ્પર્શી અભ્યાસુ અને એવીજ રીતે તન-મન-ધનથી સમાજ સેવામાં કાર્યરત વણકરસમાજના ગૌરવ દિવ્યાબેન તારીખ 26-06-2007 ના રોજ અમદાવાદ ખાતે અવસાન પામ્યા.

સ્વ. દિવ્યાબેન શ્યામજીભાઇ મારવાડી

C/o. (ભાઇ) શ્રી ભરતભાઇ શ્યામજીભાઇ મારવાડિ,
૧૨, ક્રિશ્ના એપાર્ટમેન્ટ, L કોલોની સામે, નહેરુ નગર, અમદાવાદ
Phone: +919898276911


(ભાઇ) શ્રી કિશોરભાઇ શ્યામજીભાઇ મારવાડી
Phone: +917738778665

સ્વ. શ્યામજીભાઇ નાનજીભાઇ મારવાડી, મુંબઇ

આઝાદિની લડાઇ વખતે જ્યારે મહાત્મા ગાંધીજી પુનાની યેરવડા જેલમાં હતા ત્યારે તેમને એક ચાહકનો ઘેલછાભર્યો પત્ર મળ્યો. પત્રમાં ગાંધીજીને રુબરુ મળવાની ઝંખના એવી હ્રદયસ્પર્શી ભાષામાં વ્યકત થઇ હતી કે ગાંધીજીને પણ જાણવાની ચટપટી થઇ કે પત્ર આવો સરસ છે, તો પત્રનો લખનાર કેવો હશે? તાત્કાલિક જ એમણે પત્ર લખનારને તાબડતોબ મળવાનુ આમંત્રણ પાઠવ્યુ અને તે પણ તાર મારફત! સ્વયં ગાંધીજી પણ જે અદના ચાહકને મળવા અધીરા થયા હતા એ ચાહક હતા, શ્યામજીભાઇ નાનજીભાઇ મારવાડી.

શ્યામજીભાઇ ત્યારે મુંબઇના દલિતોના શૈક્ષણિક ઉધ્ધાર માટે 1932 માં સ્થપાયેલ "હિંદુ સેવક સમાજ" ના માનદ મંત્રી તરીકે કાર્યરત હતા અને એજ હિંદુ સેવક સમાજના કાર્ય બાબત માર્ગદર્શન મેળવવા તેમણે ગાંધીજીને પત્ર લખલો. જેના જવાબમાં આમંત્રણરુપી ગાંધીજીનો તાર મળતાં જ શ્યામજીભાઇ તેમના સુપુત્રી દિવ્યાબેનને લઇ સીધા પહોંચી ગયા પુના યેરવડા જેલ. જેલમાં આંબાના ઝાડ નીચે બેસીને તેમણે ગાંધીજી સાથે વિનોદ પણ કર્યો અને વાર્તાલાપ પણ અને એ મુલાકાત પછી દલિત ઉધ્ધાર માટેની પ્રેરણા વધુ પ્રબળ બનવાનુ તેઓએ અનુભવ્યુ. તેઓની આ મુલાકાતની નોંધ ગાંધીજીના મિત્ર શ્રી મહાદેવભાઇની ડાયરીમાં પણ છે.


સૌરાષ્ટ્રના અમરેલીમાં શ્યામજીભાઇનો જન્મ 01-08-1891 ના રોજ થયેલો. તે સમયે દલિત પછાત વ્યક્તિ માટે શિક્ષણ લેવાની વાત જ એક મોટુ સાહસ ગણાતુ. તેવા સમયે શ્યામજીભાઇએ શિક્ષણ સાહસમાં ઝંપલાવ્યુ અને અમરેલીની અંત્યજ શાળામાં ભણી, શિક્ષણનો વધુ પ્રસાર કરવા શિક્ષક તરીકે નોકરીમાં જોડાયા. 1913માં તેઓ મુંબઇ આવ્યા અને મુંબઇ મ્યુનિસિપલ ગુજરાતી શાળાના આચાર્ય તરીકે ગરીબ – નબળા વર્ગના વિધાર્થીઓના શિક્ષણમાં સવિષેશ કાર્યરત બન્યા. મુંબઇ માહ્યાવંશી સમાજના મંત્રીપદેથી ભારતની મતાધિકાર સમિતિને અસ્પૃશ્યતા દુર કરવા 1932માં પત્ર લખેલ જેના 23 વર્ષ બાદ 1955 માં મતદાન માટેનો સમાજ કાયદો અમલમાં આવેલ. મુંબઇમાં મેઘવાળ વણકરસમાજમાં મોટાભાઇ માસ્તર સામંત નાનજીભાઇ મારવાડી સાથે શિક્ષણનો પાયો નાંખનાર અને "શ્યામજી માસ્તર" તરીકે સમગ્ર મુંબઇમાં નામના મેળવનાર શ્યામજીભાઇની અવિરત શૈક્ષણિક સેવાઓને ધ્યાનમાં લઇને મુંબઇ મેઘવાળ સભા દ્વારા 1933માં તેઓનુ જાહેર સન્માન કરાયેલ. 1974ની 30 મી માર્ચે દલિત વિકાસ માટેની એમની સેવાઓને ધ્યાનમાં લઇને મહારાષ્ટ્ર સરકારે દલિત મિત્રનો પુરસ્કાર આપી એમનુ ગૌરવ વધાર્યુ. સમસ્ત વણકર - મેઘવાળ સમાજમાં જ નહિ પરંતુ મહારાષ્ટ્રમાં પણ આ ખિતાબ મેળવનાર તેઓ સર્વ પ્રથમ હતા. 89 વર્ષની વયે તારીખ 02-12-1980 ના રોજ તેઓનુ મુંબઇમાં અવસાન થયુ.

સ્વ. શ્રી શ્યામજીભાઇ નાનજીભાઇ મારવાડી

C/o. (પુત્ર) શ્રી કિશોરભાઇ શ્યામજીભાઇ મારવાડી
A/14, સિલ્વરીન એપાર્ટમેંટ; IC કોલોની, બોરિવલી (W),
મુંબઇ – ૪૦૦૧૦૩
Phone: +917738778665
(પુત્ર) શ્રી ભરતભાઇ શામજીભાઇ મારવાડિ,
Phone: +919898276911

સ્વ. શ્રી મોહનભાઇ ડાહ્યાભાઇ ડોડિયા, પાટણ

અણહિલપુર પાટણના વતની અને સૌના પ્રિય, નિષ્ઠા અને પ્રમાણિક્તાના ઉપાસક એવા ગુજરાત વણકર સમાજ - પાટણના આદ્યસ્થાપક અને આજીવન પ્રમુખ સ્વ. શ્રી મોહનભાઇ ડાહ્યાભાઇ ડોડિયા (જન્મઃ ૨૪-૦૪-૧૯૩૬; અવસાનઃ ૩૧-૦૧-૨૦૧૩) સમાજનુ રત્ન અને પુરુષાર્થનુ પ્રતિક બની સાદુ અને સરળ ક્રિયાશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. સરસ્વતિ સાધનાની નિરંતર પ્રક્રિયામાં પ્રાથમિક શાળાના શિક્ષકથી માંડિ ક્રમશઃ નિષ્ઠા અને કાબેલિયતથી અનેક ઉન્નતપદો સર કરતા કેળવણી નિરિક્ષકના વહિવટી પદે પહોંચ્યા હતા. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન સ્વ.શ્રી. મોરારજી દેસાઇએ પાટણની લોકસભા બેઠક માટે જ્યારે સ્વ. મોહનભાઇની પસંદગી કરી ત્યારે શ્રી ખેમચંદભાઇ ચાવડાને આગળ કરી પોતાની નૈતિક્તાનો પરીચય આપેલ. ૧૯૭૯માં વિરમાયા ટેકરી - પાટણ ખાતે ગુજરાત હાઇકોર્ટના વડા ન્યાયમુર્તિશ્રી બિ.જે.દિવાનના વરદહસ્તે ખ્યાતાનામ સંગીતકાર બેલડિ મહેશ-નરેશને "વીરમાયા એવોર્ડ" અપાવેલ. તે ઉપરાંત ગુજરાતના વણકરસમાજને જોડવાનુ કામ કરેલ અને વણકરસમાજના સર્વ પ્રથમ સમુહ લગ્નોત્સવના આયોજન દ્વારા દર વર્ષે યોજાતા સમુહ લગ્નોત્સવની પ્રથા શરુ કરેલ. પ્રાચીન નગરી પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિના સમયમાં જસમા ઓડાણના શ્રાપથી પાણી વગર તરફડતિ પાટણની પ્રજા માટે વીર મેઘમાયાએ શહિદિ વ્હોરી હતી. આ શહિદ વિર મેઘમાયાને ઉજાગર કરવાનુ કામ જીવનપર્યંત જીંદગીની છેલ્લી ક્ષણ સુધી સ્વ. શ્રી મોહનભાઇ ડોડિયાએ કર્યુ જેના અનુસંધાનમાં મહેસાણા થી વિસનગર જવા નિકળેલ "માયા રથયાત્રા" દરમિયાન માં ૩૧-૦૧-૨૦૧૩ ના રોજ ઇશ્ર્વરને વ્હાલા થયા. તેમની જીવનભરની સમાજસેવાને માન આપતા ૧૩૫-પાટણવાડા વણકરસમાજ, ચાંદખેડા દ્વારા સ્વ. શ્રી મોહનભાઇને "સમાજરત્ન" એવોર્ડથી સન્માનિત કરાયેલ.

સ્વ. શ્રી મોહનભાઇ ડાહ્યાભાઇ ડોડિયા

C/o અનિલ મોહનભાઇ ડોડિયા,

૧, સ્વપ્નસૃષ્ટિ સોસાયટી,

સિધ્ધાર્થ સ્કુલ પાછળ, સોમનાથ રોડ, મહેસાણા
મોબાઇલઃ +919898714554

સ્વ. શ્રી જોસેફભાઇ મેક્વાન (સાહિત્યકાર), આણંદ

તારીખ ૦૯-ઓક્ટોબર-૧૯૩૫ના રોજ ગુજરાતના સમૄધ્ધ ચરોતર પ્રદેશના ઓડ (હાલ જિલ્લોઃ આંણદ) પાસે આવેલ ત્રાણોલ ગામના ખ્રિસ્તી ધર્મ પાળતા એક સામાન્ય વણકર કુટુંબમાં જ્ન્મેલ સ્વ. શ્રી જોસેફભાઇ મેક્વાન ગુજરાતી ભાષાના અને એમાં પણ દલિત સાહિત્યના સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર માનવામાં આવે છે. જન્મથીજ ગરીબી, પછાતપણા અને ક્હેવાતી ઉચ્ચજ્ઞાતિઓના "મનુસ્મૃતિ" વલણોની અસહ્ય અડચણોનો સામનો કરીને ૧૯૬૭માં પ્રથમ વર્ગમાં બી. એ.; ૧૯૬૯માં દ્વિતિય વર્ગમાં એમ. એ. અને ૧૯૭૧માં પ્રથમ વર્ગમાં બી. એડ. થયા. કોલેજમાં લેક્ચરર તરીકેની કારકિર્દિમાં તેમને કોલેજની નોકરી છોડિ દઇ ગામડાની શાળામાં જવા દબાણ કરવામાં આવ્યુ અને અન્ય ઘણી તક્લીફો સહન કરવી પડી. જીવનના આવા અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઑને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. તેમની લખેલ નવલકથા "વ્યથાના વિતક" (૧૯૮૫) અને "આંગળીયાત" (૧૯૮૮) ને ગુજરાત સાહિત્ય અકાદમીનુ પ્રથમ પારીતોષીક પ્રાપ્ત થયેલ. આ ઉપરાંત તેમના અન્ય ઘણા લખાણોને વિવિધ પુરસ્કારો મળેલ છે. સ્વ. શ્રી જોસેફભાઇ મેક્વાનનો સંપુર્ણ બાયોડેટા (PDF) ડાઉનલૉડ કરવા અહિં ક્લીક કર ો.

સ્વ. શ્રી જોસેફભાઇ મેક્વાન (સાહિત્યકાર)

'ચંદ્ર્નિલય', સુર્યનગર સોસાયટી,

ઝેવિયર રોડ, આણંદ - ૩૮૮૦૦૧

ફોનઃ ૦૨૬૯૨ - ૨૫૪૪૮૬

આપ અમારી આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો અને વેબસાઇટ ઉપર મુકાવનારી ડિરેકટરીમાં નામ નોંધાવો અને અન્ય આપણા વણકરસમાજના ભાઇઓને પણ આ વેબસાઇટની જાણ કરી આ વેબસાઇટ થકિ આપણા વણકરસમાજના વિકાસમાં સહભાગી બનો તેવિ વિનંતિ.

KEEP VISITING US FOR MORE INFORMATION

© Copyright 2009 - www.VankarSamaj.com