www.VankarSamaj.com

By Bharat Dabhi

*** BACK TO HOME ***

 

અમારી વેબસાઇટના આ વિભાગમા અમો આપણા વણકરસમાજ અંગેના વિચારોને વાચા આપવાનો પ્રયત્ન કરીશુ

 

દલિત જ્ઞાતિઓ દ્વારા જ વણકરસમાજને કરવામાં આવેલ દગાઓ!!

  • ૧૯૬૨-૨૦૧૧ સુધીના ગાળામાં ગુજરાત / કેન્દ્ર સરકારને ૭ જેટલી રજુઆતો થઈ છે, જેમાં વણકર જ્ઞાતિને અનુસુચિત જાતિના લીસ્ટમાંથી બાકાત કરવાની માંગણી છે!!! આ સાત રજુઆતોમાં પાંચ ફકત રોહિતસમાજની સંસ્થા કે વ્યક્તિઓ દ્રારા અને બીજી બે રજુઆત અન્ય કોઇ અસ્પૃશ્ય જ્ઞાતિ દ્વારા થઈ હોવાની માહિતિ મળેલ છે જેમાં વણકર અને રોહિત બંને જ્ઞાતિઓને અનુસુચિત જાતિના લીસ્ટમાંથી બાકાત કરવાની માંગણી છે!!!

  • ૧૯૮૦-૮૪ માં તત્કાલીન રોહિતસમાજના સંસદસભ્યશ્રી હિરાલાલ પરમારે વણકર જ્ઞાતિને અનુસુચિત જાતિના લીસ્ટમાંથી કાઢી નાખવા સંસદમાં રજુઆત કરેલી.

  • ૨૦૦૪-૨૦૦૬ ના ગાળામા વણકર જ્ઞાતિને અનુસુચિત જાતિમાંથી કાઢી નાખવાની માંગણી સાથે તત્કાલિન કેન્દ્રીય સમાજ કલ્યાણ મંત્રી શ્રીમતિ મીરા કુમારી સહિત રાષ્ટ્રપતિને રોહિતસમાજના જાણિતા અગ્રણીઓ દ્વારા સહિ કરેલુ આવેદનપત્ર આપવામાં આવેલ અંગે જાણવામાં આવ્યુ છે. જે અંગે રેકોર્ડ મેળવવાના પ્રયન્તમાં છીએ ..

  • ૨૫-૦૧-૧૯૮૬ ના ગોલાણા હત્યાકાંડમાં ૫ આરોપીઓ અનુસુચિત જાતિના હરીજન હતા (!!!) જેમને ૪ વણકરો પોચાભાઇ ચૌહાણ, પ્રભુદાસ, ખોડાભાઇ અને મોહનભાઇની હત્યા કરવાના આરોપસર સજા થયેલ છે.

  • ૧૯૮૯ માં મહેસાણાના ગોજારીયા ગામના સ્વ. જેજે શ્રીમાળીએ કોર્ટમાં વણકર જ્ઞાતિના અનુસુચિત જાતિમાં હોવા અંગે કોઇક કેસ કરેલો જે માટે પુર્વ સાંસદ સ્વ. શ્રી ખેમચંદભાઇ ચાવડાએ વણકરસમાજ તરફથી લડત આપેલી. નીચેની પ્રેસ નોટ વાંચવી વધુ વિગત માટે



 

ભરત ડાભી, ૧૨-૦૫-૨૦૧૭

info@vankarsamaj.com

આત્મીય સમાજ.. અંતરનો અવાજ


વણકરસમાજની વણઉકલી સમસ્યાઓ તથા સમાજની વિટંબણાઓ કે જેને ઉકેલવી મુશ્કેલ તો છે જ, સાથે સમાજની રૂઢિગત પરંપરાઓથી ઉપર ઉઠી સમાજમાં નવી ચેતના પ્રસ્થાપિત કરવા સૌ પ્રથમ સમાજના યુવા ભાઇ-બહેન માં સમાજ પ્રત્યેની સજ્જતા કેળવાશે તો સમાજના ધ્વારે એક નવી જ રોશની પથરાશે. જરૂર છે સાથે મળી સમાજને પડખે ઉભા રહી ખભે ખભા મિલાવી ઉચ્ચ/નિમ્નના ધોરણોથી પર રહી સમાજના આંતરિક વિખવાદો ભુલી રચનાત્મક કાર્યો કરવા હશે તો સહ્કારની જરૂર પડશે જ. કોઇ પણ સમાજ જ્યાં સુધી સંગઠનની ભાવના નહિ કેળવે ત્યાં સુધી પિડિત વર્ગની વ્યાખ્યા ભૂંસી નહિ શકાય.

 

વણકરસમાજની ગરિમા અને અસ્મિતા જાળવવા માટે વણકરસમાજની સંસ્કૃતિને જાળવી રાખવી અને તેનું જતન કરવું એ આપણી પ્રાથમિકતા છે. જ્યારે દલિત સમાજની વાત આવે ત્યારે આદિકાળથી ચાલી આવતી રૂઢિગત પ્રણાલિઓ અને સમાજની કેટલીક વિસંગતતાઓથી સમગ્ર સમાજની પરિસ્થિતિ દયાજનક બની રહેવા પામી છે, તો આવી વિકટ પરિસ્થિતિને કઈ રીતે માત કરી શકાય? આ પ્રકારના જટિલ પ્રશ્નોનો ઉકેલ કોઇ એક વ્યક્તિની વિચારધારા પર નિર્ભર નથી, પણ સૌ સહકારની ભાવના કેળવીને સાથે ચાલશે તો જ સમાજની સરવાણીનો પ્રવાહ અર્વાચિંનતા તરફ પ્રયાણ કરશે.આપણે સૌ ઇચ્છી રહ્યાં છીએકે વણકરસમાજ સમૃધ્ધ બને અને સશક્ત બને તથા આધુનિકીકરણની દિશામાં કદમ તાલ મિલાવે પણ ફક્ત સ્વપ્નામાં રાચતા રહેવાથી જ સફળતા પ્રાપ્ત થતી નથી. એના માટે પાયાની જરૂરિયાત સંગઠનની ભાવના અને એનો ત્વરિત અમલ.સહિયારૂ સાહસ કરીશું તો સમાજ નવી ઉંચાઇઓને પાર કરશે. સમાજ પ્રત્યેની નૈતિક ફરજો અદા કરવી અને વણકર સમાજને નવા રંગરૂપ થી આકારગત ઓપ આપવો હશે તો એક વ્યક્તિ પર જવાબદારી ન છોડતા જરૂર પડે ત્યાં આપણે કદમ મિલાવીશું તો નિષ્ફળતાને કોઇ અવકાશ નથી.

 

સમાજના બુધ્ધિજીવી વર્ગે સમાજને અલગ અલગ જુથ (વાડા) પ્રથા દાખલ કરી બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર, અને વૈશ્ય એમ ચાર વિભાગમાં વર્ગિકરણ કરેલ જે આપણા ઇતિહાસ પરથી આપણને એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. જેનાકારણે દલિત સમાજ વર્ષોથી ભિંસાતો કચડાતો આવ્યો છે. પણ હવે સમાજમાં આવી રહેલી જાગૃતિ એક આશાનું કિરણ છે કે હવે દલિત શબ્દનો પર્યાય એટલે સંઘર્ષ, જાગૃતિ, સહકાર.

 

શિક્ષિત થઇને અન્યાય સહન કરવો એ પણ એક પાપ જ છે. દરેક વ્યક્તિ પાસે કંઇ ને કંઇ હુન્નર ઇશ્વરદત્ત હોય છે જ પણ એનો સદુપયોગ સમાજ માટે કઇ રીતે થઇ શકે એ વિચારીને સમાજ માટે જો યોગદાન આપશે તો ઝાઝા હાથ રળિયામણા એ ઉક્તિ સાર્થક થશે અને સમાજને એક સાચી દિશા પ્રાપ્ત થશે.

 

અન્ય સમૃધ્ધ સમાજની સરખામણીએ ખરેખર આપણે ખુબ જ મંદ ગતિએ સફર કરી રહ્યા છીએ. આશાવાદી અને હકારાત્મક અભિગમ લઇને ચાલવું પડશે તો અને તો જ આપણા સમાજની તસ્વીરમાં પરિવર્તન લાવી શકાશે. વાત જટિલ છે મુશ્કેલ પણ છે પણ અશક્ય તો નથી જ, એવી ગાંઠ આપણે વાળવી જ રહી.

 

ઉંચુ લક્ષ ઉચો ધ્યેય હમેશાં સફળતા અપાવે છે. સમય પાકી ગયો છે, પરિવર્તન જરૂરી છે. આ સમયે એક વાત રજૂ કરવાનું નહિ ભુલું કે શ્રી ભરતભાઇએ વણકરસમાજની વિસરાતી તાસિર અનેઇતિહાસ ને જાળવી રાખવા આજના સોસિયલ મિડિયા અને ઇંટરનેટનાં યુગમાં ખુબ જ આત્મિયતાથી કામ હાથ ધર્યું છે, એ પ્રસંશનિય છે, આરાધનિય છે. મારા માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને સમાજનાં ભાઇ બહેનો પણ આ દિશામાં પોતાના વિચારોનો વિનિમય કરશે તો આપણો હેતુ સિધ્ધ થશે.ભાવિ પેઢિ માટે સમૃધ્ધ અને ઉન્ન્ત સમાજ નું નિર્માણ થશે જે નિ:શંક બાબત છે....
 

ભાનુપ્રસાદ રાજન
[મોબાઇલ નંબર +919925990988]
e-mail : bdrajan3@gmail.com
તારીખઃ ૨૮-૦૩-૨૦૧૫

'અમે ક્ષત્રીય છીએ - દલિત નહિ' માહ્યાવંશી (વણકર) જ્ઞાતિમિત્રોમાં પ્રસરેલી અણસમજ


લો, માહ્યાવંશીઓ [ક્ષત્રિયો (?)] વાંચો.!

આજથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે અસ્પૃશ્ય ઠરાવાયેલ જ્ઞાતિના બાળકોને શાળામાં સવર્ણ બાળકો સાથે બેસવા દેવાતા નહોતા. તેમણે વર્ગના ખૂણે, ઓટલા પર કે પછી વર્ગ બહાર ખૂલ્લાંમાં બેસવું પડતું હતું. કેટલાંક ઠેકાણે તેમના અલગ વર્ગ અને તેમની જ જ્ઞાતિના શિક્ષકો દ્વારા શિક્ષણ મેળવવું પડતું. સવર્ણ જ્ઞાતિના શિક્ષકો તેમને ભણાવવા તૈયાર નહોતા. શિક્ષણનું મહત્વ પિછાણનારા શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા રાજ્યમાં કચડાયેલા, ઉપેક્ષિત અને આભડછેટનો ભોગ બનતી અસ્પૃશ્ય મનાયેલ જ્ઞાતિના બાળકોને શિક્ષણ મળે એ માટે તેમણે શરૂ કરેલ શાળાઓમાં ભણાવવા માટે સવર્ણ શિક્ષકો તૈયાર નહીં થતાં તેમણે મુસ્લિમ શિક્ષકોની ભરતી કરવી પડી હતી. એ ઇતિહાસ બહુ જૂનો નથી!

વાપીથી તાપી દરમ્યાન વાસ્તવ્ય ધરાવતી અનુસૂચિત જ્ઞાતિમાં સમાવેશ પામેલ 'માહ્યાવંશી' જ્ઞાતિએ પણ એવા કપરા અનુભવોમાંથી પસાર થવું પડ્યુ છે.

ધણિયામાંઓની જમીન પર ગાત્ર ગાળી દેતી ઠંડીમાં, ધોમધખતા તાપમાં, ધોધમાર વરસાદમાં ગુલામની જેમ શારિરીક શ્રમ કરતાં વડવાઓના અનુભવો આજે ય આપણા રોંગટા ખડા કરી દે છે.

ત્યાર બાદ મુસ્લિમ, પારસીઓના વફાદાર, કામઢા સેવકો તરીકે મુંબઇ શહેરમાં આગમન અને યુરોપિયનોના 'DOMESTIC SERVENTS' તરીકે ગોઠવાવાની શરૂઆત થાય છે. કૂક, બટલર, હમાલ આગળ જતાં ડ્રાયવર અને મિલ, રેલ્વે, કારખાનાઓમાં મહેનત માંગી લેતા કામોમાં જોતરાઇ મજૂરી મેળવવાની વ્યથાકથાઓની વાતોથી આજના 'માહ્યાવંશી' જણને પણ અચરજ થયા વિના નથી રહેતું. આપણા એક વિદ્વાન વિચારકે પોતાની જીવનયાત્રાના અનુભવ વર્ણવતા જાહેરમાં ઉચ્ચારેલ શબ્દો 'ગામમાં તો ઢોર ચરાવવા પડે, પણ મુંબઇ શહેરમાં અમે કૂતરાં ચરાવ્યા છે!' છાતી વિંધતા સોંસરવા નીકળી જાય છે.

પરમ પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરના અથાક પ્રયત્નો થકી 'ભારતના રાજયબંધારણ' માં સ્વીકૃત કરાયેલ વિવિધ સમતા, સ્વાતંત્ર્ય, ન્યાય અને બંધુત્વને પોષક કલમો અને અનુસૂચિત જાતિઓ-જનજાતિઓને હિંદુત્વ, ધાર્મિકતાના અંચળા હેઠળ કરાયેલ ઘોર અન્યાયના સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક વળતરરૂપે, અધિકારની રૂએ અપાયેલ 'અનામત'ની જડબેસલાક વ્યવસ્થા દ્વારા 'નાગરિક' અધિકાર અને સામાજીક ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત બનવા પામ્યો છે.

સ્વાતંત્ર્યોત્તર કાળમાં અને તે દરમ્યાન કેટલીક અનુસૂચિત જ્ઞાતિઓએ (નિશ્ચિતરૂપે એમાં 'માહ્યાવંશી' જ્ઞાતિનો પણ સમાવેશ થાય છે.) 'અનામત' પ્રથાનો મહત્તમ સદુપયોગ કર્યો છે, અને તેના અપેક્ષિત પરિણામો હાંસલ કર્યા છે.

'માહ્યાવંશી' જ્ઞાતિ 'બંધારણિય અધિકારો' - શિક્ષણ પ્રાપ્તિ, રોજગારી વગેરેનો લાભ લેવામાં અગ્રેસર રહી છે. રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ ક્ષેત્રોમાં તેની હાજરી આજે ઉડીને આંખે વળગે એવી છે.

'માહ્યાવંશી' જ્ઞાતિના અનુસૂચિત જ્ઞાતિમાં સમાવેશ અંગે ઘોર અજ્ઞાનતા પ્રવર્તે છે. ભારતમાં અસ્પૃશ્યતાનો ભોગ બનનાર, શિક્ષણથી વંચિત રખાનાર, વેઠિયા તરીકે ગામ આખાનું વૈતરૂં કરનાર, જાહેર કૂવા પરથી પાણી નહીં લઇ શકનાર, મંદિર પ્રવેશ નાકારાનાર, અપમાન-વહેલના, તાડનનો સદા ભોગ બનનાર એવી 'માહ્યાવશી' જ્ઞાતિનો પણ ભારતભરની અન્ય સમદુખી જ્ઞાતિઓ સાથેની સૂચિમાં સમાવેશ ન્યાયોચિત જ સાબિત થાય. છે કંઇ તમારે કહેવાનું?

ક્ષત્રિયોએ તો 'પ્રાણ જાયે પણ વચન ના જાયે' જીવી બતાવવું પડે. મા-બહેનોના શીલ-સ્વમાનની રક્ષા કાજે માથે કફન બાંધીને જીવવું પડે. એ 'ક્ષત્રિયો'ને કહેવાનું નહીં હોય! અસ્મિતા અને આત્મ-સન્માન કિંમત ચૂકવ્યા વિના નહીં મળી શકે. રોટી, કપડા અને મકાન તો કોઇ પણ આપે. પરંતુ મહાન ગુરૂ ગોવિંદસિંહની ઊક્તિ મુજબ 'રાજપાટ કોઇ ના દૈ. જો લૈ હૈં નીજબલ સે લૈ હૈં' એ શૂરાપૂરા 'ક્ષત્રિયો'એ હજી સુધી જાણ્યું હોય એમ લાગતું નથી. 'જ્ઞાન તાકાત છે. અજ્ઞાન મૃત્યુ' શાણા 'માહ્યાવંશીઓ'એ સત્વરે સત્ય જાણી, મનુવાદી-બ્રાહ્મણી વિચારધારાની માનસિક ગુલામીમાંથી મુક્ત થવું જરૂરી, જરૂરી અને જ્રૂરૂરી છે.

બાકી 'કાગભાઇ ચુનો ચોપડી બગભગત થવાની ભલેને કોશિષ કરે' ઊંચનીચના વાડામાં પોષાયેલી, અસમાનતાના પાયા પર રચાયેલી, જ્ઞાતિ આધારિત ભારતિય સમાજ વ્યવસ્થામાં પોતાને 'ક્ષત્રિય' કે પછી 'બ્રહ્મર્ષિ' કહેવડાવો 'આત્મસન્માન' નો પ્રકાશ પામવાના નથી. સમતાનો સૂરજ આ મલક્માં અજવાળા પાથરવા આવવાનો નથી. એવું ખાતરીપૂર્વક અત્રેથી જાહેર કરતા સાચા માનવતાકેન્દ્રી સમાજની, માનવતાના મૂલ્યોની ખેવના કરનારી સમાજરચના માટે સ્વયંને સમર્પિત કરતાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ !!!!!!.
 

'માહ્યાવંશી જાગો' અભિયાન
લલિતભાઇ પટેલ [મોબાઇલ નંબર +૯૧૯૮૬૭૦૯૩૮૨૮]
e-mail : lalit_patel48@yahoo.com
તારીખઃ ૧૧-૦૬-૨૦૧૩

વણકરજ્ઞાતિનિ અસ્મિતાનુ શિરમોર પ્રતિક ૩૨ લક્ષણા મહાવીર મેઘમાયાની યશોગાથા

સમય ઇ.સ. ૧૧૩૮. ગુજરાત રાજ્યના માથે સોલંકિ વંશની ઘજા ફરકતી હતી. સોલંકિ વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિધ્ધરાજ જયસિંહ સોલંકિ પાટણમાંથી સમગ્ર ગુજરાતમાં શાસન કરી રહ્યા હતા.

રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિ બાંધકામના ઘણા શોખિન હતા. તેમણે પોતાના દાદાના વખતથી અધુરુ રહેલ “રુદ્રમહાલય” નુ બાંધકામ પુર્ણ કરી ભારે પ્રસિધ્ધિ મેળવેલ. સૌરાષ્ટ્રમાં પણ તેમણે ઠેર-ઠેર ઘણા મંદિરો, પાણીની વાવો અને ગઢ બંધાવેલ જેના અવશેષો આજે પણ આણંદપુર, ચોબારી, વઢવાણ વગેરે સ્થળોએ જોવા મળે છે..

સિધ્ધરાજ જયસિંહ સોલંકિ રાજ્યની રાજધાની પાટણ હતી જેના લિધે તેઓ પાટણ નરેશ કહેવાતા. પોતાના બાપ-દાદાના સમયની પાટણની રોનક બદલવા તેઓએ સુંદર બાંધકામો હાથ ધરેલ. આવાજ એક પ્રયત્નોમાં દુર્લભરાજાએ બંધાવેલ પરંતુ પાણીના અભાવે સદાય સુકાયેલા રહેતા તળાવને ફરીથી ખોદાવવા તેમણે માલદેવથી ઓડો, બનાસકાંઠા અને રાજસ્થાનના મજુરો બોલાવેલા. આ મજુરોમાંની એક સ્વરુપવાન સ્ત્રી “જસમા ઓડણ” પર તેઓ મોહિ પડેલા. જસમાને પોતાની રાણી બનાવવા અનેક વિનવિણઓ તેમણે કરી પરંતુ પોતાના પતિને તન-મનથી સમર્પિત જસમા રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિની રાણી બનવા રાજી ન થયા અને પાટણ છોડિ પોતાના ગામ જવા રવાના થયા જ્યાં રસ્તામાં સિધ્ધરાજ જયસિંહ સોલંકિના સૈનિકોએ જસમાના પતિને મારી નાખ્યા અને જસમાને પકડિ રાજા સામે રજુ કર્યા. રાજા સામે હાજર થયેલ વિધવા જસમા ઓડાણે પોતાના કપડામાં છુપાયેલ કટારી પોતાના પેટમા ઉતારી દિધિ અને મરતા મરતા તેમણે રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિને શ્રાપ આપ્યો કે પાટણના દુર્લભ સરોવરમાં ક્યારેય પાણી નહિ આવે અને પાટણની પ્રજા પાણી વગર તરફડશે.

સતિ જસમા ઓડાણના શ્રાપથી શિવભક્ત સિધ્ધરાજ જયસિંહ સોલંકિ ઘણા વ્યથિત થઇ ગયા અને પોતાના પાપના પ્રાયશ્ચિત રુપે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં શિવમંદિરો બંધાવ્યા. તેવી જ રીતે દુર્લભ સરોવરને ખોદાવી ૧૦૦૦ શિવલિંગ ધરાવતુ અન ૫૦૦ માઇલના ઘેરાવાનુ “સહસ્ત્રલિંગ" તળાવ બનાવ્યુ અને તેમાં વચ્ચે મોટું રુદ્રેશ્વર મહાદેવનુ મંદિર પણ બંધાવ્યુ.

વર્ષો સુધિ આ મંદિર અને તળાવમાં દરરોજ સવાર સાંજ આરતી થાય ત્યારે ખુદ રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિ હાજર રહેતા. પરંતુ સતિ જસમા ઓડાણના શ્રાપના પ્રભાવે સહસ્ત્રલિંગ તળાવમાં પાણી ન રહ્યુ. જેના લિધે પાણીની સમસ્યા વિકટ બની અને પાટણમાં લોકો પાણી વગર તરફડવા લાગ્યા. આ શ્રાપમાંથી મુકત થવા રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ પોતાના રાજ્યમંત્રી મુંજાલ દ્વારા અનેક ધર્મગુરુઓ, જ્યોતિષિઓ, બ્રાહ્મણોની સભા બોલાવી જ્યાં પોથીઓ વંચાઇ, ઘણી ચર્ચા વિચારણાઓ થઇ, શાસ્ત્રોનો અભ્યાસ થયો અને અંતે ઉપાય જણાવાયો કે જસમા ઓડાણના શ્રાપથી મુકત થવા અને પાટણની પ્રજાને પાણીના વલખા મારતી અટકાવવા ઘરતી માતા બત્રીસ લક્ષણા જીવતા નરનુ બલિદાન માંગે છે! આ સાંભળી સભામાં સર્વે મહાનુભવો સ્તબ્ધ થઇ ગયા. રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ સભામાં હાજર લોકો સમક્ષ બલિદાન આપવા હાકલ કરી પણ કોઇ રાજી ના થયુ. ત્યારબાદ બલિદાનની હાકલ કરવા ૭-૭ દિવસ રાજ્યભરમાં ઢંઢેરો પિટાવ્યો. પરંતુ બલિદાન આપવા કોઇ આગળ ન આવ્યુ કારણ કે સૌને પોતાનો જીવ વ્હાલો હતો.

ત્યારે ઘોળકા પાસે રહેતો “વણકર” જ્ઞાતિનો વિરપુત્ર “માયો” પાટણના તરસ્યા માનવીઓ માટે બલિદાન આપવા તૈયાર થયો. નાનપણમાંજ પિતા ધરમશીના અવસાના બાદ દાદાની છત્રછાયામાં ઉછરેલ “માયો” માતા ગંગાબાઇ (ખેતીબાઇ) ના આશીર્વાદ સાથે પોતાના ઘર્મપત્ની હરખા (મરઘાબાઇ)ની રજા લઇ યજ્ઞની વેદીમાં હોમાવા તૈયાર થયો. ધોળકા વિસ્તારના સર્વજનો વાજતે ગાજતે માયાને પાટણ ખાતે રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિના દરબારમાં લાવ્યા. દરબારમાં બેઠેલા રાજવીઓ, બ્રાહ્મણો અને અન્ય નગરજનો “મેઘમાયા” ને જોઇ ઉભા થઇ ગયા અને બોલ્યા “આ મેઘમાયો તો વણકર જ્ઞાતિનો અછુત છે, તેનુ બલિદાન ધરતી માતા નહિ સ્વિકારે!” આ સાંભળી રાજાએ સભામાં ઉપસ્થિત જ્યોતિષિઓ સામે જોયુ, જ્યોતિષિઓએ મેઘમાયા સામે જોયુ અને એકસ્વરે સભામાં જણાવ્યુ કે “હે રાજા! બિજાના માટે પ્રાણ ન્યોછાવર કરનાર મેઘમાયો અછુત નથી! એતો બ્રાહ્મણોનો પણ ગુરુ છે! બત્રીસ લક્ષણો વિર છે! આવા વિર નરનુ બલિદાન ઘરતી માતા જરુરથી સ્વિકારશે!”

સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ મેઘમાયાને બલિદાન માટે પુછ્યુ ત્યારે માયાએ નિર્ભય, નિડર પરંતુ નમ્રતાથી જવાબ આપ્યો “હે અન્નદાતા, મહારાજા, મારા બલિદાનથી જો પ્રજાજનોને પાણી મળે તો આ મસ્તક હાજર છે, પરંતુ આપને નત મસ્તકે એક અરજ છે.” રાજા બોલ્યા “બોલ વિર માયા બોલ, સંકોચ રાખ્યા વગર બોલ.” ત્યારે માયાએ શિશ ઝુકાવી અરજ કરી “મહારાજ! અમારી વણકર જ્ઞાતિ ભારે અધોગતિમાં છે. ગરીબ છે. પછાત છે. અસ્પૄશ્યતાનુ કલંક લાગેલ છે તે દુર કરો. અમારા સમાજને જ્ઞાતિબંધનોમાંથી મુકત કરી નગર વચ્ચે નિવાસ, આંગણે તુલસીનો ક્યારો, પિપળાનો છાંયો, ઉત્ત્મ વસ્ત્રો પહેરવાની પરવાનગી, વેલ - વંશાવલી માટે વહિવંચા બારોટ સહિત સ્વાભીમાનથી જીવવા સમાન માનવિય અધિકારો આપો” જે સર્વ રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ સ્વિકારી અને તેને પુર્ણ કરવાનુ વચન આપ્યુ. આમ ભારતના ઇતિહાસમાં દલિત સમાજને સમાન અધિકાર અપાવનાર વિર મેઘમાયા પ્રથમ મહામાનવ હતા પરંતુ ઇતિહાસકારોના ચોપડે તેની કોઇ નોંધ નથી!!

વિક્રમ સંવત ૧૧૭૨, મહાસુદ સાતમને શુક્રવારે વહેલી સવારે ઢોલ, શરણાઇ, ત્રાંસાની રમઝટ સાથે નગરજનોના અબીલ - ગુલાલ, અને પુષ્પવર્ષા વચ્ચે વિર મેઘમાયાની બલિદાન શોભાયાત્ર નિકળી જેમાં રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિ, નગર શેઠ, ધર્મગુરુઓ, જ્યોતિષિઓ, બ્રાહ્મણો અને હજારો માનવ મેદનીના જય જય કાર સાથે સતી જસમા ઓડાણના શ્રાપને મિટાવવા, પાટણના તરસ્યા માનવીઓના જીવ બચાવવા, શાસ્ત્ર મંત્રોચાર સાથે સહસ્ત્રલિંગ તળાવમાં પગ મુકતાવેંતજ આકાશમાંથી અમીછાંટણા થયા અને પાતાળમાથી ધસમસતા વેગથી જળધારાઓ ફુટી નિકળી અને પરોપકારી વીર મેઘમાયાએ જળ સમાધી લિધી. આજે પણ પાટણમાં આ ઐતિહાસિક તળાવ વિર મેઘમાયાના પરોપકારી બલિદાનની સાક્ષી પુરે છે.

આમ લોક જીવનની રગેરગમાં વિર મેઘમાયાએ ચિરંજીવ સ્થાન પ્રાપ્ય કર્યુ તે સંત શિરોમણી “મેઘમાયા” ને મેઘવાળ - વણકર સમાજ અતુટ શ્રધ્ધાથી પુજે છે. વિર મેઘમાયાના બલિદાનની ગૌરવ ગાથા કાયમી સ્મૃતિ તરીકે જળવાય તે માટે સિધ્ધપુર પાટણના ગુજરાત વણકર સમાજ સંલગ્ન “વિર માયા સ્મારક સમિતિ” ના પ્રયત્નોથી વિર માયાના બલિદાન સ્થળે ભવ્ય સ્મારક સંકુલ આકાર પામી રહ્યુ છે. જેના બાંધકામ માટે થઇ ગુજરાત સરકાર તરફથી ત્રણ કરોડ રુપીયા પણ ફાળવવામાં આવેલ છે. આ પ્રસ્તાવિત સંકુલમાં વિર માયા સ્મૃતિ મંદિર, સંશોધન કેન્દ્ર, ગ્રંથાલય, અતિથિભવન, બાલ ક્રિડાંગણ, ગુરુકુળ અને શ્રી વિર માયાની યશોગાતા ગાતુ “Light & Sound Show” નુ પણ આયોજન કરવામાં આવનાર છે.

(એક સમાજમિત્રના મેલમાં મળેલ માહિતિના આધારે)

લગ્નવિચ્છેદઃ એક ગંભીર બનતી જતી સામાજિક સમસ્યા

સમાજ જેમ જેમ વિસ્તરતો અને વિકસતો જાય છે તેમ તેમ પ્રગતિની બાયપ્રોડકટની જેવી કેટલીક ગંભીર સામાજિક સમસ્યાઓ પણ આપોઆપ જ પાંગરતી અને ફુલતી ફાલતી જેવા મળે છે. જે પૈકી લગ્નવિચ્છેદ અને એની સાથે સંકળાયેલ આનુષાંગિક સમસ્યાઓ પણ આખા સમાજને ચિંતા ઉપજાવનારી છે. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ દેશભરમાં લગ્નવિચ્છેદોમાં ગુજરાત છટ્ટા ક્રમે છે. ગુજરાતમાં દર હજાર લગ્નોમા ચાર જેટલા લગ્નો ભંગાણોમાં પરિણમે છે. રાજયની આવી ૨,૦૪,૩૪૭ લગ્નભગ્ન વ્યક્તિઓ પૈકી લગભગ ૭૦,૦૦૦ તો ૨૫-૩૫ વયગ્રુપનાં છે, જે ગુજરાત જેવા અત્યંત શિક્ષિત અને પ્રગતિશીલ રાજય માટે ચિંતા ઉપજાવે એવી બાબત છે.

પ્રતિષ્ઠિત અંગ્રેજી દૈનિક ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ૨૦-જુન-૨૦૦૯ના તંત્રીલેખમા લગ્નવિચ્છેદોના વધતા જતા પ્રમાણની સાચેજ ચિંતા કરવામાં આવી છે. આ લેખમાં જણાવ્યા મુજબ "ભારતમાં યુવાન યુગલો ખુબ જ મોટા પ્રમાણમાં છુટાછેડા લઇ રહયા છે. કેટલાક શહેરોમાં તો આ આંક બમણો કે ત્રણ ગણો થઇ રહયો છે. એકલા દિલ્હીમાં જ વર્ષે ૯૦૦૦ જેટલાં યુગલો છુટા પડવાની તજવીજ કરી રહયાં છે જે સંખ્યા ૯૦ના દાયકામા માંડ ૧૦૦૦ જેટલી હતી. લગભગ બધા જ લોકો એ સ્વીકારતા થઇ ગયા છે કે છુટાછેડા ભારતીય સમાજનું અભિન્ન અંગ બનવા જઇ રહેલ છે. "

લગ્નવિચ્છેદની જરા અણગમતી વાત આપણા સમાજના સંદભૅમાં અત્રે કરવી છે. આપણો સમાજ હવે એકંદરે સંતોષ અને ગવૅ લઇ શકે એ રીતે શિક્ષણ અને કારકિર્દિમાં હરણફાળ ભરી રહયો છે. શિક્ષણવ્યાપના પ્રાથમિક માપદંડ ગણાતા સાક્ષરતાદરની વાત કરીએ તો આપણો સમાજ રાજયના એકંદર સાક્ષરતાદર એટલે કે લગભગ ૭૦%ની લગોલગ પહોંચેલો છે. પુરુષ સાક્ષરતા દર તો વળી કહેવાતા સવણૅ સમાજના પ્રવતૅમાનદરને પણ આંબી ગયો છે. લગ્ન વિચ્છેદના ઉપરના આંકડા આપણા સમાજના સંદભૅમાં જોઇએ તો આ બાબતે ઉપરના આંકડામાંથી સ્થિતિ અલગ તારવવી શકય ન હોવા છતાં લગભગ તમામ અનુસુચિત જાતિઓમાં લગ્નવિચ્છેદની એકંદર પરિસ્થિતિ એટલી જ ચિંતાજનક છે.

સામાન્ય રીતે બહુ જાહેર ના થતી આવી અંગત બાબતો સમગ્ર સમાજમાં જયારે પ્રત્યક્ષ ફરવાનું થાય ત્યારે વકરતી જતી આ સમસ્યાના વ્યાપ અને ગંભીરતાનો અંદાજ આવે છે. કેન્સરની જેમ અવ્યક્ત રીતે વધતી જતી આ સમસ્યામાંથી ઉદભવતી વ્યક્તિગત અનેક ઘટનાઓ મોટા પ્રમાણમાં જયાં ને ત્યાં અચુક જોવા સાંભળવા મળે છે. સમાજના અનેક અસરગ્રસ્ત પરિવારો આ સમસ્યામાં એટલા તો ડુબેલા જેવા મળે છે કે જાણે એમનું આખું ફુલ ટાઇમ રુટિન આ કામમાં જ લાગેલું હોય. સમસ્યામાં અટવાયેલા યુવા-યુવતિઓ અને એમના પરિવારોના માનવકલાકોનો વ્યય ગણીયે તો અધધ જ થઇ જય. અનેક યુવા-યુવતિઓને આ ઉંમરે જયારે કારકીર્દિ તરફ લક્ષ્ય આપવાનું હોય ત્યારે આવા ઘરેલું પ્રશ્નો એમની એકાગ્રતાને વિચલિત કરી એમના શકય એવા ઉજજવળ ભાવિને અંધકારમાં ધકેલી દે છે.

છુટાછેડાના અનેક કારણોનું વિશ્લેષણ કરીએ તો એ કંઇક આમ છે. (1) બન્ને પક્ષે સહનશીલતાનો અભાવ (2) સમાન અધિકારની ભાવના (3) કૌટુંબિક લાગણીઓનો અભાવ (4) સાથીદાર પાસેથી વધારે પડતી અપેક્ષા (5) વધતું જતું સવિશેષ મહિલા ઉચ્ચ શિક્ષણ (6) પુરુષ સ્વાભાવિક અહમ એવં મહિલા પરત્વેનો હીનભાવ (7) કરીયાવર વિષયક પ્રશ્નો (8) વ્યક્તિત્વવાદની ઊભરી રહેલી વિભાવના (9) મહિલા સ્વનિભૅરતા અને (10) કશું જતું નહિ કરવાની વૃત્તિ. સમાજમાંથી તાજેતરમાં બનતી આવી ઘટનાઓનું વિવરણ કરવા જઇએ તો પાના નાં પાનાં ભરાય. પણ હૈયુ હલબલાવી નાખે એવી નીચેની થોડીક ઘટનાઓ સમાજ આખાને હવે આ સમસ્યા પરત્વે વિચાર કરતા કરી મુકવા પયૉપ્ત છે.

  • હમણાં સમાજના IRS કેડરના એક યુવાનની આવી જ ઘટના છેક પોલીસ થાણે અને ત્યાંથી આગળ મીડીયામાં અગ્ર પાના સુધી ગઇ. જોવાની વાત તો એ હતી કે વર અને કન્યાના પિતાજીઓ એક જ વિભાગના સરકારી સહ-અધિકારીઓ હતા.

  • એવા જ એક અન્ય કિસ્સામાં ખુબ હોંશ અને હરખથી કારકિર્દિ અર્થે વિદેશ ગયેલા એક અતિશિક્ષિત યુગલે ઓસ્ટ્રેલીયાની કોટૅમાં ડાઇવોસૅ પેપસૅ ફાઇલ કયૉના સમાચાર છે.

  • વર્ષોથી એક જ બેંકમાં સાથે કાયૅરત બે અધિકારીઓના દીકરા-દીકરીના લગ્નસંબંધ બેંકનાજ એક ત્રીજા અધિકારીએ ગોઠવી આપ્યા પણ કંઇ ઝાઝો મેળ ન રહેતાં વાત વણસીને મામલો પોલીસ સ્ટેશને અને આગળ વધીને છેક બેંક સુધી પહોંચ્યો.

  • મધ્ય ગુજરાતના અન્ય એક કિસ્સામાં અમદવાદની પ્રતિષ્ઠિત INDIAN INSTITUTE OF MANAGEMENT માંથી પાસ થઇને નીકળેલો આપણો આશાસ્પદ યુવાન અને સમાજમાંથી જ ગોઠવાયેલ આ સપ્તવેદિમાં કન્યા પણ એટલી જ ઉચ્ચ શિક્ષિત મનેજમેન્ટ પોષ્ટ ગ્રેજયુએટ છે. વાત હવે ઠેબલે ચઢી છે અને બે વષૅથી પણ ઝાઝો સમય વીતવા છતા હજી કંઇ નિકાલ નથી આવતો. BEHAVIOUR SCIENCE નો ખુબ જ ઊંડાણથી અભ્યાસ કરી ચુકેલા આ બન્ને યુવા પાત્રો ખુદ પોતાના અંગત જીવનમાં એ મહામુલા જ્ઞાનનો સહેજેય ઉપયોગ કરી શકતા નથી એ કેવી મોટી કરુણતા છે.

  • ઉત્તર ગુજરાતના આવા જ એક ખુબ જ પ્રતિષ્ઠિત પરિવાર અને સામે છેડે અમદાવાદના એવાજ વરીષ્ઠ બેંક મનેજર પરિવારની આવી જ સમસ્યામાં એક પરિવારના શુભ પ્રસંગ તાકડે જ મહિલા સહિતના તમામ સદસ્યોની ધરપકડ કરાઇને છેક અમદાવાદ પોલીસ સ્ટેશને લવાયા એ તે કેવી કઠણાઇ કહેવાય.

  • અન્ય એક્ શરમજનક કિસ્સામાં સમાજના એક પરિણિત પુરુષ સાથે બેધડક સંસાર માંડનારી બચરવાળ મહિલાથી કાયદેસર છુટકારો મેળવવા પુરુષ પક્ષને નવ નેજા પાણી આવી ગયા કારણકે ભાગી જનાર મહિલાનો પિતા પોલીસ સર્વિસમાં હતો અને ભગાડનાર પેલા ભાઇની પાછળ રાજકીય બળ અને રુપિયાનું જોર હતું એટલે કાગળો પર સહિ કરવા મહિલા હાજર થાય નહિ અને પોલીસ જરાયે દાદ ન આપે. તો સામે છેડે લાજ અને લક્ષ્મી બેઉ ગુમાવનાર સામા પક્ષનો પરિવાર આ ઘટનાથી શરમ અનુભવી છુટાછેડા મેળવી છુટકારો પામવા આકાશ પાતાળ એક કરી રહયો હતો.

પ્રશ્ન થાય છે વિચ્છેદ ભણી દોરી જતા સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન શું તમામ સામાજિક ઉપાયો કે વિકલ્પો બંધ થઇ જતા હશે? મોટા ભાગના ઘરેલુ પ્રશ્નોમાં ઉભી થતી આ પરિસ્થિતિ પરાકાષ્ઠાએ કેવી રીતે પહોંચી જતી હશે? કોઇ એક પક્ષ કે બન્ને પક્ષોની આડોડાઇ કે અહમની આત્યંતતીક્તા તો એમાં અગ્ર સ્થાને નહિ હોય શું? સામાજિક સંબંધોથી સંકળાયેલા અન્ય વાલેશ્રીઓની પણ કંઇક નૈતિક જવાબદારી ખરી કે?

આપણો સમાજ લગ્નસંબંધથી શરુ થતા તાણાવાણાને સાત પેઢિના સંબંધ તરીકે સ્વીકારતો હોય છે અને તેથી લગ્નસંબંધો ખુબ જ જોઇ વિચારીને નકકી થતા હોય છે. મોટા ભાગે કયાંકને કયાંક કોઇક સામાજિક સંબંધનો વળ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પડતો હોય છે. તેમ છતાં જયારે વાત વણસે છે ત્યારે ધીમે-ધીમે એ કાબુ બહાર જઇ છેક આખરી સ્વરુપ ધારણ કરે છે. કયારેક તો કહી કે સાંભળી પણ શકાય નહિ એવા આક્ષેપો નિતદિ એમાં ઉમેરાતા જાય છે અને પછી તો સાંધો જડે નહિ એવા ગૂંચવાડા આ સાત પેઢિના સગાને યુધ્ધની સામ સામી છાવણીમાં ફેરવી દે છે. આ બધું પાછું માત્ર સામાજિક રીતે ગોઠવાતા લગ્નોમાં જ થાય છે એવું નથી. યુવાન કે યુવતિના પોતાની પસંદગીના જ્ઞાતિય કે આંતરજ્ઞાતિય લગ્નોના અનેક કિસ્સાઓમાં પણ હવે આ સમસ્યા બાકાત નથી.

એક જમાનામાં આપણા સમાજમાં છુટાછેડાને કલંક ગણવામાં આવતું. સારા ગણાતા કુટુંબની દીકરી માવતરે રીસાઇને કે વહું સાસરાના બદલે પીયર હોય તો વડીલોનુ અને નજીકના સગાસંબધીઓનું માથું શરમથી ઝુકિ જતું. પહેલાંની આપણી સમાજ વ્યવસ્થામાં પારિવારીક સંવાદિતાનું બધાને મન મોટું મુલ્ય રહેતું અને અત્યારે તો ઘણીવાર છુટાછેડા થઇ જય ને એના કારણની ખબરેય ન પડે!

એક પશ્ન એ થાય છે કે આપણા સમાજમાં આ સમસ્યા હમણાં હમણાંથી જ કેમ જટીલ બની છે? પારસ્પારિક સાનુકુલનની સમસ્યા તો પરાપુવૅથી ચાલતી આવી છે. પણ એ વખતે જયારે એવી મડાગાંઠો પડતી ત્યારે જ્ઞાતિપંચો સમાજ વ્યવસ્થામાં ખુબ જ પ્રભાવ ધરાવતાં. સૌ પહેલાં તો સમાજના પંચ સુધી વાત જવાની બીકે પણ સમાધાનની પ્રાથમિક ભુમિકા બનતી. સમાજના કેટલાક પ્રભાવશાળી આગેવાનો પણ અદાલતની ગરજ સારતા. એમની તટસ્થતા અને સામાજિક રુઆબ સમસ્યાના તમામ મુદ્દાઓનું સમાધાન કરાવી આપવામાં અગ્રેસર ભાગ ભજવતા. લગ્નજીવનના પાત્રો પણ એમના વડીલોની કયારેક શરમથી તો કયારેક બીકથી કે પછી આમન્યાના અંચળા હેઠળ આવા સમાધાન સ્વીકારી લેતા. જુની પેઢિના વડીલોની વાતો સાંભળીએ છીએ ત્યારે સાવ છેડે આવી ગયેલી વાતોમાં થયેલા સમાધાનોવાળા અનેક પરિવારો પોતાની બીજી અને કયાંક તો ત્રીજી પેઢિ સાથે ખુબ સુખચેનથી જીવન જીવતા હોવાના આજેય દાખલા જોવા મળે છે.

નુતન સમયમાં આપણી આ પ્રણાલિગત સામાજિક વ્યવસ્થા તુટતી ભાંગતી જાય છે. સામાજિક સમાધાનો તટસ્થતાપુવૅક કરાવી શકે એવા અનેક વડીલો તો હજીયે સમાજમાં હયાત છે પણ ખાસ તો નવયુવા સમસ્યાઓમાં એમની સ્વીકૃતી કદાચ પ્રશ્નાથૅ સમાન છે. જનરેશન ગેપનો તો પ્રશ્ન એમાં છે જ પણ વધતા જતા શિક્ષણથી યુવાનોમાં આ સીનીયર પેઢિ પરત્વેનો એક અભાવ તેમજ સ્વયં માટેનો ગુરુતાગ્રંથીનો ભાવ પણ નડતરરુપ બની જતો હોય છે.

કાયદાકીય રક્ષણો પરત્વેની વધતી જતી જાગરુક્તાએ પણ આમાં બળતામાં ઘી હોમ્યું છે. સામાજિક સંવાદિતા વિખાય છે ત્યારે ઇન્ડિયન પીનલ કોડની હવે તો લોકજીભે ચઢી ગયેલી પેલી કલમ ૪૯૮(ક) જાણે હાથવગા હથિયાર સમાન બની જાય છે. અનુસુચિત-જાતિ અત્યાચાર નિયમન ધારો એટલે કે એટ્રોસીટીના કાયદાના દુરુપયોગની ચોરે ને ચૌટે વાતો કરતા લોકોને કલમ ૪૯૮(ક) નો છડેચોક દુરપયોગ જાણે દેખાતો જ નથી. હવે તો આવા સતત વધતા કેસોને ધ્યાનમાં લઇ આ જ કલમ પર પ્રેકિટસ કરતા સ્પેશ્યાલીસ્ટ વકીલોની પણ એક હરોળ ઉભી થઇ છે. કોટૅના અભિગમમાં પણ સવૅત્ર એકસુત્રતા જોવા મળતી નથી. આવા ફેમીલી કેસો માટે નિધૉરિત થયેલ અમદાવાદની એક મેટ્રોપોલીટન કોટૅના મેજિસ્ટ્રેટ ભરણપોષણના કેટલા દાવા રોજ નિકાલ કયૉ એનો જાણે કે રેકોડૅ ઉભો કરવા બેઠા હોય એવી એમની કાયૅપધ્ધતિ નજીકથી નિહાળીયે ત્યારે લાગે. તો એની સામે ઉત્તર ગુજરાતના એક સંવેદનશીલ મેજીસ્ટ્રેટે આવી જ એક ઘરેલું બાબતમાં યુવાન અને મહિલાને પોતાની કેબિનમાં એકલા બેસાડી વિચારવિમશૅ કરવા ભરપુર સમય અને મોકો આપ્યો. વળી ઉતાવળેથી નિણૅય આપવાના બદલે એક દિવસ પુરતી મુદત પાડી યુગલને વધું વિચારવા સમય આપ્યો. પછીની મુદતમાં આખીયે કોટૅને વકીલો સહિત ખાલી કરાવી માત્ર પોતે એકલાએ કલાકથી યે વધુ સમય સુધી શાંતિ અને ધ્યાનથી બન્ને યુવા પક્ષકારોને સાંભળીને આખીયે ન્યાયિક આલમમાં સામાજિક સંવેદના અને અભિગમ દ્વારા સમાધાનનું વાતાવરણ સર્જીને અભુતપુર્વ ઉદાહરણ પુરુ પાડયું. છેક છેડે પહોંચી ગયેલી મડાગાંઠવાળું આ યુગલ અત્યારે પોતાના સંયુક્ત પરિવારમાં સુખચેનથી રહે છે.

જ્ઞાતિ બંધારણોમાં છુટાછેડા બાબતની દંડાત્મક જોગવાઇઓ જોવા મળે છે. તેમ છતાં લગ્ન સંબંધો જયારે ખોરંભે પડે છે ત્યારે આ જોગવાઇઓ નિરથૅક પુરવાર થાય છે. એમાંયે જયારે આંતર ગોળ્રપરગણાના સંબંધો હોય ત્યારે આ પ્રભાવ સાવ બિનઅસરકારક બની જતો હોય છે. અપવાદરુપ કેટલાક ગોળ કે પરગણામાં આવી સમસ્યાઓની અરજીઓ મંગાવીને વષૅમાં એક વાર બન્ને પક્ષોને સામાજિક કોર્ટના પ્લેટફોમૅ પર બોલાવાતા હોય છે. આવા ટાણે સમાજ બહાર મુકાવાની ભીતિને કારણે સારી એવી મડાગાંઠો ઉકેલાતી હોય છે. જો કે આવા સ્વૈચ્છિક પ્લેટફોમ્સૅને પણ વખત આવ્યે ઘોળીને પી જનારા ખાસ તો શિક્ષિત સમુદાયમાંથી લોકો પણ નીકળતા હોય છે.

આવી સમસ્યાઓમાં સૌથી વધુ સહન કરવાનું તો પેલા બિચારા નાના ભુલકાઓને આવે છે. વૈમનસ્યનું વાતાવરણ સર્જાય ત્યારથી તે છેક છુટાછેડા થાય ત્યાં સુધી આ બિચારા નિદોષૅ બાળકોને ભાગે તો સહન જ સહન કરવાનું આવે છે. જયારે આ વિવાદો પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે ભાગ્યે જ કોઇ એમની માનસિક હાલત કે ભાવિનો વિચાર કરે છે. અંદરને અંદર મુઝતા આ કુમળા છોડ સમક્ષ ભવિષ્યમાં જયારે કારકીર્દી ઘડતરની નિણૉયક ઘડી આવે છે ત્યારે કજીયા કંકાસના વાતાવરણથી એમનામાં ધરબાયેલ ભીરુતાગ્રંથીના કારણે તેઓ ખુબ જ પાછા પડી જતાં હોય છે અને એમાંયે બિચારા મા અને બાપ બન્ને પાસેથી તરછોડાઇને અન્યોના આશરે મજબુર બનતા બાળકોની તો વાત જ શું કરવી? ઉછરતા બાળકને એકલા પિતા કે માત્ર માતાની નહિ પણ બંનેની સંયુક્ત હુંફ અને ટેકાની જરુરીયાત હોય છે, એ વિવાદે કે મમતે ચઢેલા લોકોને કોણ સમજાવે?

ઘણીવાર બન્નેય પક્ષકારોને છુટા તો થવું હોય પણ પહેલ કોણ કરે એના કારણે પણ કોકડું ગુંચાતું હોય છે. જે પહેલ કરે એમના માથે સમાજે નકકી કરેલ કલમ એટલે કે દંડાત્મક જોગવાઇઓ ભરવાની આવે છે. વળી કાયદાલક્ષી ઝ્કુાવ મહિલાતરફી વધુ હોઇ લગ્નવિચ્છેદો કયારેક તો સોદાબાજી (bargaining) ના સમારાંગણમાં પણ ફેરવાઇ જાય છે. જો કે આવા ગુંચવાડા ટાણે કેટલાક અનુભવીઓને પરામશૅ (counselling) અને મધ્યસ્થી કરતા જોઇએ ત્યારે HUMAN RESUORCE MANAGEMENT SOFT SKILLS કે CONFLICT MANAGEMENT જેવી મોટી મોટી મેનેજમેન્ટ થીયરીઓ સાવ ફિક્કિ લાગે.

આવનારા દિવસોમાં આ સમસ્યા ઓર જટિલ બનશે. તેથી સમાજના વરીષ્ઠોએ હવે એના નિદાન અને નિર્મુલનની દિશામાં કંઇક વિચાર કરવાનો સમય આવી ગયો છે. કોટૅ-કચેરી કંઇ અંતિમ ઉપાય નથી. મોટા ભાગની સમસ્યાઓ સાવ ઉકેલી જ ન શકાય એવી નથી હોતી. શું પેલા મેજિસ્ટ્રેટે જે અભિગમ બતાવ્યો એવો સમાજના કોઇ વચગાળીયા વડીલો પૈકિ કોઇ આવો રોલ અદા ન કરી શકે? સામાજિક બંધારણોનું અસરકારક પાલન જોવા મળતું હોઇ એમાં પુનરાવલોકન દ્વારા લગ્નોને વિચ્છેદોમાંથી ઉગારવા કંઇક ખાસ અને અસરકારક જોગવાઇઓ જરુર વિચારી શકાય.

સામાજિક સમસ્યાઓના નિરાકરણમાં ‘સંવાદ’ સૌથી સહેલુ અને પ્રબળ સાધન છે. સમાજમાં ઘટતા જતા સંવાદના ચલણને કારણે પારસ્પારિક સંવાદિતામાં ધીમે ધીમે ઉભી થતી જતી રુકાવટો આ સમસ્યાને વધૂ ઘેરી બનાવે છે. વિસંવાદિતાની શરુઆત પહેલાં તો પરિવારના બે પાત્રોથી થતી હોય છે. આ પાત્રો પતિ-પત્નિ કે સાસુ-વહુ કે અન્ય સદસ્યો હોઇ શકે છે. વાત જેમ આગળ જાય તેમ પરિવારના અન્ય સદસ્યો તટસ્થ રોલ અદા કરવાને બદલે પક્ષકાર બની એમાં ઉમેરાતા જતા હોય છે અને જરુરી સમયે સંવાદો નહિ થવાના કારણે પછી તો સામસામા હોય એવા બે પક્ષો જ ઉભરી આવતા હોય છે. સંવાદ એેટલે બીજું કંઇ નહિ પણ પરિવારના લાગતા વળગતા લોકોને અન્ય વડીલો દ્વારા સાંભળવામા આવે. વાત જો ઘરથી આગળ નીકળી ગઇ હોય તો કોઇ સગાસંબંધી દ્વારા મધ્યસ્થી ઉભી કરીને સંવાદનું વાતાવરણ ઉભુ કરવામાં આવે. આ પ્રકારની વિસંવાદિતામાં ઘણી વાતોને વધારી ચઢાવીને બીજે છેડે પહોંચવાના કારણે પણ સમગ્ર બાબત વણસી જતી હોય છે. સંવાદથી આવી ખોટી રજુઆતો ઠીકઠાક થાય તો કયારેક લાગતા વળગતાઓના ઇરાદાઓને જાણવા પીછાણવાની પણ તક ઉભી થાય.

લગ્ન વિચ્છેદની બાબતમાં એક પ્રેરક ઉદાહરણ યાદ આવે છે. લગ્નજીવનમાં આવી જ રીતે નિરાશ હતાશ થઇને આવેલા એક યુવાનને એકવાર એક મહાત્માએ એક કામ સોંપ્યું. “સામેના ખેતરમાંથી માત્ર એક જ સારા ઘઉંનો મોટામાં મોટો અને સારામાં સારો દાણો લઇ આવ” સુચના વધુ સ્પષ્ટ કરવામાં આવી. “તારે ખેતરમાં ફક્ત એક જ વાર જવાનું છે” યુવક ખેતરમાં ગયો. ત્યાં તો ઘઉંના બધા જ દાણા લગભગ સરખા હતા. મોટામાં મોટો દાણો શોધવો કઠિન હતો. એક દાણો એને ખાસ્સો મોટો લાગ્યો જે એણે લઇ લીધો. આગળ જતાં એને બીજો દાણો એના કરતાં યે વધારે સારો અને મોટો લાગ્યો એટલે પહેલો ફેંકીને બીજો દાણો લઇ લીધો. હજી મોટામાં મોટા દાણાની શોધ જારી હતી. કયારેક એને ફેંકી દેવાયેલો દાણો મોટો લાગતો તો કયારેક એને થતું કે હજી મોટો દાણો મળશે. આટલા વિશાળ ખેતરમાંથી મોટામાં મોટો અને સારામાં સારો દાણો શોધવો ખરેખર જ અત્યંત કઠિન હતું. છેવટે થાકીને યુવાન મહાત્મા પાસે પાછો આવ્યો અને પોતાની વ્યથા કહી. મહાત્માજીએ એને શાંતિથી સમજાવ્યો “પસંદગીની સ્વતંત્રતા હોય છે ત્યારે પસંદ કરવું ખુબ જ અઘરું હોય છે. થોડા પ્રયત્નો પછી માણસ થાકી જય છે અને છેવટે નાસીપાસ થાય છે. બાકી, ઘઉંના દાણા તો લગભગ સરખા જ હોય છે. ” હવે મહાત્માજીએ યુવાનને બાજુના મકાઇના ખેતરમાંથી મકાઇનો સરસ ડોડો લઇ આવવાનું કહયું સાથે પેલી અગાઉની શરતો તો ખરી જ કે ડોડો સારામાં સારો હોવો જેઇએ અને ખેતરમાં તો એણે એક જ વાર જવાનું. આ વખતે યુવાન ઘડીક જ વારમાં સરસ ચમકતા લીલા પાનવાળો ડોડો લઇ આવ્યો. એને તરત જ પાછા આવી જવાનું કારણ પુછયું તો એણે કહયું કે ગઇ વખતે એ ખુબ જ મૂંઝ્વણમાં હતો. ઘઉંનો મોટામાં મોટો દાણો શોધવામાં એણે ખુબ જ સમય વેડફેલો એટલે આ વખતે મેં સૌથી સુંદર અને રુપાળો લાગતો ડોડો તરત જ પસંદ કરી લીધો. મહાત્માજીએ ડોડા પરથી પાન હટાવ્યાં અને જેયું કે ડોડો તો કંઇ બરાબર ભરાયેલો ન હતો. દાણા પોચા હતા. મહાત્માજીએ યુવાનને જણાવ્યું કે ડોડો ઉપરથી સુંદર અને રુપાળો છે પણ હજી કાચો છે અને પુરો ભરાયેલો નથી. જે એણે આના બદલે પીળા પાનવાળો ડોડો પસંદ કર્યો હોત તો સ્વાદિષ્ટ મકાઇ મળત પણ એ રુપથી આકષૅાયો અને પણ ઉતાવળેથી નિણૅય કરી બેઠો. અલબત્ત આમાં સારા અને મોટા ઘઉંની શોધના એનો અગાઉનો અનુભવ પણ કારણભુત હોય.

ભારતીય સમાજ વ્યવસ્થામાં પણ આવું જ છે. લગ્ન પસંદગીમાં પણ પેલી એક જ વખત ખેતરમાં જવાની શરત જેવું છે જે ખાસ્સી અઘરી હોવા છતાં સંબંધો નિભાવવા અત્યંત અનિવાયૅ છે. એ જ લગ્નજીવનનો પાયો અને પવિત્રતા છે. વ્યક્તિને એક કરતાં વધારે વખત કોઇ વિધિ કરવાની સ્વતંત્રતા મળે છે ત્યારે એની પવિત્રતા ઘટે છે. મહત્વ ઘટે છે. છુટાછેડા લીધા પછી પણ ઘઉંનો દાણો શોધવાની ને મકાઇનો ડોડો પસંદ કરવાની કવાયતો તો ઉભી જ રહે છે. જે છુટાછેડા લીધા પછી પણ એમાંથી પસાર થનારને દુ:ખી કરે છે.

આ સમસ્યા હળવી કરવા સમાજના સમસ્યાગ્રસ્ત યુગલોએ સ્વયં અને સમગ્ર યુવાવર્ગે પણ આગળ આવવું રહયું. કોલેજ જીવનમાંથી ગ્રહસ્થ જીવનમાં પ્રવેશીએ ત્યારે કેટલાક અંગત વિચારો ગમે એટલા આદશૅ હોવા છતાં એને સમુહજીવન અને સમાજજીવનને સાનુકુળ બનાવવા પડે. આજુબાજુના અન્યોના સહઅસ્તીત્વને સ્વીકારી નાની મોટી વાતો, મનદુ:ખ, વહેમ, ભુલો વિસારવાં પડે. ક્ષમા દામ્પત્યજીવનનો સૌથી મોટો આધારસ્તંભ છે. પરિવારમાં ભુલનો સ્વીકાર કે એકરાર કરવાથી કોઇ નાનું કે મોટું નથી જતું. ઘણીવાર કારણ ખાસ મોટું ન હોવા છતાં અહમ વાતને વણસાવીને ખુબ મોટી ખાઇ ઉભી કરી જતો હોય છે

ઉપરના કેટલાક નકકર દાખલાઓ એવી પણ પ્રતિતિ કરાવે છે કે આપણા સમાજમાં ઉચ્ચ શિક્ષણ અને વિકાસ આવવા છતાં કેટલીક સામાજિક રુઢિઓ, રિવાજો અને ખ્યાલોમાં અન્ય સમાજોની જેમ ઝાઝો બદલાવ નથી આવ્યો. આ એક કડવી વાસ્તવિક્તા છે જેને સ્વીકારવી જ રહી. સમાજની સુશિક્ષિત બહેનોએ પણ પારિવારીક જીવનમાં પોતે કંઇક વધારે ભાગ આપવાનો છે અને સમાજ આદર્શોની વાતો ભલે ઉંચી કરે પણ આપણે ત્યાં ગણ્યાગંઠયા અપવાદોને બાદ કરતાં પરિણિતાને પુત્રી તરીકે જોવા કરતાં વહું તરીકે વધુ જોવાની કઠોર વાસ્તવિક્તાને સ્વીકારીને સાનુકુલન સાધવું રહયું. અને જયાં આ સમસ્યા સાથે પોતાના સંતાનોનું પણ અસ્તિત્વ અને ભાવિ જોડાયેલું છે ત્યાં તો રખેને પોતાનાં નિદોષૅ ભુલકાં આ કશ્મકશમાં કયાંક નાહક દંડાઇ ન જય એનું ધ્યાન રાખી ખરા અથૅમાં એમનાં મા-બાપ બનવા બધું જ જતું કરવાની તૈયારી રાખવી જ રહી.

સમાજ અત્યારે એક સંક્રમણ (transition) ની સ્થિતિમાંથી પસાર થઇ રહયો છે. એક તરફ સમાજનો યુવા વગૅ પ્રગતિ અને આધુનિક ખ્યાલોમાં કયાંયે આગળ નીકળી રહયો છે જયારે બીજી તરફ સામાજિક સમસ્યા ઉપચાર અને નિદાનનાં ઉપકરણો અને પધ્ધતિઓ જરીપુરાણાં છે. એમાં ગતિશીલતા કયારેક તો ધિરજ અને સહનશક્તિ ખુટી જાય એટલી મંદ છે. એમાં પરિવતૅન તો સમય લાવશે જ પણ ત્યાં સુધી આશાસ્પદ યુવા યુવતિઓની કારકીર્દી વેડફાઇ ન જાય એ માટે હકારાત્મક વાતાવરણ સર્જાય અને સામાજિક સ્વાસ્થ્યના આ મિશનમાં નવી અને જુની પેઢિ બન્ને સહિયારો પ્રયાસ કરે એવી એ સમયની માંગ છે.

દામ્પત્યના પ્રશ્નો કે વિવાસ્પદ સમસ્યાએાનો અંતિમ ઉકેલ માત્ર છુટાછેડા નથી. આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ફારગતિના થીગડા મારવાની વૃત્તિ જ આ સમસ્યાઓને એના ઉકેલથી ઓર દુર ધકેલી દે છે. એટલે એવું ન બને કે જયારે આપણી આંખ ખુલે ત્યારે બહું મોડું થઇ ગયું હોય અને ફિલ્મનું પેલું ગીત આપણા માટે યાદ કરવાનું રહે “જીદગીકે સફર મેં ગુજર જતે હૈ જો મુકામ વો ફીર નહિ આતે”

દામ્પત્યજીવનની ગૂચવણોનો ઉકેલ કે ઉપચાર એ છુટાછેડા નહિ પણ સમજદારીપુવૅકનું સમાધાન જ દામ્પત્યજીવનનું એક શાંતિધામ બની શકે છે.
 

મુલચંદ એસ. રાણા, અમદાવાદ

મેઘવાળસમાજ / વણકર જ્ઞાતિબંધુઓનો મેળો

દર વર્ષે રાજકોટ જીલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીરનો મેળો ભરાય છે. કદાચ કોઇને આની જાણ નહિ હોય પરંતુ સમગ્ર વિશ્ર્વમાં દલિતોનો અને ખાસ કરીને વણકર જ્ઞાતિબંધુઓનો આ એકજ મેળો છે. આ મેળાને જન્મ આપનાર પુજય પાલણપીરનો પોતાનો એક ઇતિહાસ છે પાલણપીર દાદાએ સીંધ પાકિસ્તાનમાં માતંગદેવ; લુણીંગદેવ; માતૈયદેવ; મામૈયદેવ એમ ૪ અવતાર લીધા. પાલણપીર તરીકે એમનો પાંચમો અવતાર છે. એમના આગલા મામૈયદેવના અવતારમાં તેમના શીષ્ય માલા સોંદરવાને આપેલ વચન મુજબ સંવત ૯૭૦ ના ચૈતર માસના શુકલ પક્ષની અજવાળી ચોથને બુધવારના રોજ હડમતીયા ગામના કપુરીયા કુંડમાંથી પ્રગટ થયા. એક કોઢીના કોઢ મટાડતા લોકોના દુ:ખને પાલવનાર તરીકે જણીતા થયા અને પાલણદાદા તરીકે ઓળખાવા લાગ્યા. જીવનભર મેઘવાળ સમાજમાં રહીને લોકોના રોગ દુ:ખ દુર કરીને કુલે ૨૪ લાખ વૈધની અમુલ્ય ભેટ સમાજને આપતા ગયા અને જીવનના અંત સમયે મેઘવાળ સમાજના અને અન્ય દલિત સમુદાયના ભકતજનોની અરજને માની હડમતીયા ગામે સમાઇ ગયા. ત્યારથી હડમતીયા ગામે દર વર્ષે ભાદરવા વદ નોમના રોજ સાડા ત્રણ દિવસનો મેળો ભરાય છે. અંદાજે ૮૦૦ વષૅ જુના પાલણપીરના આ ધાર્મીક મેળામાં આજે મુંબઇ તેમજ રાજસ્થાન અને ગુજરાતમાંથી મેઘવાળસમાજના લોકો આવે છે. કામધંધા માટે થઇ દુર દુર જઇ વસેલા મેઘવાળ સમાજને / વણકર જ્ઞાતિબંધુઓને એક કરવાનો આ મેળો છે.

 

શ્રી હરેશ જે. સોંદરવા
મુકામ: પીપરડી
પોસ્ટ: ચાંદલી
તાલુકો: લોધીકા
જીલ્લો: રાજકોટ
મોબાઇલ: ૦૯૭૨૫૮૯૧૪૯૯

"સાંબરડા" ગામના વણકરોનુ ૧૩૧ દિવસનુ અભુતપુવૅ અહિંસક આંદોલન

 

આ વાત ૧૯૮૯માં ઉત્તર ગુજરાતના "સાંબરડા" ગામના વણકરોએ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના ત્રાસ સામે કરેલ અહિંસક આંદોલનની છે.

 

 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાનુ "સાંબરડા" ગામ ૫૫૦ લોકોની વસ્તી ધરાવતુ એક નાનકડુ ગામ છે જયાં મુખ્યત્વે ગઢવી અને વણકર એમ બે જ્ઞાતિના લોકો રહે છે. ગઢવી જ્ઞાતિ આમતો OBC તરીકે ગણાય છે પરંતુ "સાંબરડા" ગામના ગઢવી લોકો પોતાને ક્ષત્રીય જેવી ઉચ્ચ જ્ઞાતિના ગણાવી અનુસુચિત જ્ઞાતિના વણકરો ઉપર ત્રાસ ગુજરતાં. ગઢવી લોકો આદિકાળથી રાજા-મહારાજાના દરબારમાં ગાવણીયા / કવિ તરીકે કામ કરી ગુજરાન ચલાવતા જયારે વણકર લોકો કપડાં વણવા વગેરે જેવુ હસ્તકલાનુ કામ કરતાં. "સાંબરડા" ગામમાં ૪૫ ટકા વસ્તી ધરાવતાં વણકરોમાં ફ્કત એક કુટુંબના લોકો પાસે ખેતીલાયક જમીન હતી જયારે અન્ય ૫૫ ટકા વસ્તી ધરાવતાં ગઢવી જ્ઞાતિના ફ્કત ૩ કુટુંબ સીવાય દરેકની પાસે ખેતીલાયક જમીન હતી આ ઉપરાંત તેઓ અન્ય વ્યવસાયીક પ્રવૃત્તિઓ દ્વારા વધારાની આવક ઉભી કરતા.

 

આઝાદી પછીના સમયમા અનામત અને અન્ય પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થતાં વર્ષોથી પછાત રહેલ આ ગામના વણકર લોકો શીક્ષીત બની નોકરીઓ કરતાં થયા અને એકંદરે આર્થીક રીતે સ્વાવલંબી બની સામાજીક વિકાસ સાધવા લાગ્યા. આમ વર્ષો જુની ઉચ્ચ જ્ઞાતિ ના રહેમો કરમ પર જીંદગી જીવવાની છોડી આ ગામની વણકર પ્રજા કહેવાતી ઉચ્ચ જ્ઞાતિની સમકક્ષ આવી ઉભી રહી. ગઢવીઓના ખેતરોમાં બંધીયા મજુર તરીકે કામ કરી ગુજરાન ચલાવવુ એક ભુતકાળ બની ગયો.

 

સાંબરડા ગામના કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના ગઢવીઓ દ્વારા હેરાનગતી પામવી આ ગામના વણકરો માટે રોજની વાત હતી. રસ્તે આવતા-જતાં છેડખાની થવી; ગંદી હરકતોને સહન કરવી વગેરે જેવી હેરાનગતીનો સૌથી વધુ ભોગ વણકર જ્ઞાતિની સ્ત્રીઓ બનતી. દલિત (વણકર) યુવકોને ગામમાં નીચી નજરો સાથે ફરવુ ફરજીયાત હતુ. આ લોકો નવા કપડા તેમજ ફેશનેબલ ચશ્મા, ઘડિયાળ વગેરે પણ જાહેરમાં પહેરી શકતા નહિ. આ બાબતોનુ અગર કોઇ દલિત (વણકર) પાલન ન કરેતો ગઢવીઓ તેને જાહેરમાં માર મારતાં અને ગાળો બોલીને; તેની ઉપર થુકિને તેનુ અપમાન કરતા.

 

આ દિવસોમાં ગામમાં આ બધી બાબતોથી અજાણ એક દલિત (વણકર) મહેમાન આવેલ જેમને ગામના ગઢવીઓએ "મનુસ્મૃતિ" ના કાયદાઓને આધારે ગંભીર રીતે માર માર્યો અને સંભળાય નહિ તેવા અપશબ્દો બોલીને ગામ બહાર તગેડિ મુકયા. ત્યારબાદ ગામની ફાજલ ગોચર જમીન ઉપર કબ્જો જમાવી ગામના દલિત (વણકર) લોકોને તેનો ઉપયોગ કરવા મનાઇ ફરમાવી જેથી તેની ઉપર જીવન ગુજારતા વણકરોની પરીસ્થીતિ વધુ બગડી ગઇ. ગામના ગઢવીઓ તત્કાલિન ભારત સરકારનાં મંત્રી અને બનાસકાંઠાનાં સાંસદ શ્રી. બી. કે. ગઢવીના ટેકેદારો હતા અને તેમને રાજકિય પીઠબળ હોવાથી ગામની ફાજલ ગોચર જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવામાં સફળ રહ્યા. આ દરમીયાન ગામના રજનીકાંત નામના વણકર યુવકને ગઢવીઓએ ૧૧-જુન-૧૯૮૯ ના રોજ ઢોર માર માર્યો અને મૃતપ્રાય પરીસ્થીતિમાં લાવી મુકિ દિધો. પોલીસમાં વણકરોએ આ વિષે ફરિયાદ કરી અને જીલ્લા કલેકટરને મેમોરેન્ડમ આપી શ્રી. બી. કે. ગઢવીનુ રાજકિય પીઠબળ ધરાવતા ગામના ગઢવીઓના અત્યાચારોની જાણ કરી પરંતુ તેનુ કોઇ સંતોષકારક પરિણામ ન આવ્યુ. અંતે આવા અત્યાચારોથી ત્રાસી ગામના સમગ્ર વણકરો  સ્વ. શ્રી પાનાચંદ પરમારની આગેવાનીમાં સામુહિક સ્થળાંતર કરી ગામ છોડવાનો નિણૅય કર્યો અને ૨૬-જુન-૧૯૮૯ના રોજ બાળકો, સ્ત્રીઓ, વૃધ્ધો સાથે ગામ છોડિ શાંતિપુવૅક પાલનપુર ખાતેની જીલ્લા કલેકટરની કચેરીએ જવા રવાના થયા. પાલનપુર પહોંચી જયા સુધી તેઓની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી પાછા નહિ ફરે તેમ સરકારને જણાવી કામ ચલાઉ બાંધેલ તંબુમાં રહેવા લાગ્યા. આ સમયે ચોમાસામાં વરસાદને લીધે તેમને ઘણી મુસીબતો સહન કરવી પડિ. પ્રશાસન પાસે તેમણે યોગ્ય વ્વયસ્થાની માંગણી કરી પણ તેને નકારવામાં આવી. આ દરમીયાન ગઢવી સમુદાય; પ્રશાસન; રાજકીય શકિતઓ વગેરે તરફથી તેમને ડગાવવા ઘણા પ્રયત્નો થયા પરંતુ તેઓ પોતાના નિણૅયમાં અણનમ રહ્યા અને શાંતિપુવૅક અને શીસ્તબધ્ધ રીતે પોતાના સ્વમાન માટેનુ આંદોલન જીવંત રાખયુ. તેમના આંદોલનનો પડઘો વિધાનસભામાં પણ પડયો અને આ સાથે દેશના અન્ય દલિત સમુદાયો પણ અંત સુધી લડવા તેમની સાથે જોડાયા. અંતે સરકારે સ્થળાંતર થયેલ આ વણકર સમુદાયની સવૅ માંગણીઓ માન્ય રાખી અને પડોશના વિરપુર ગામ પાસે તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. આમ ૩-નવેમ્બર-૧૯૮૯ ના રોજ ૧૩૧ દિવસના અભુતપુવૅ આંદોલનની વિજય સાથે આજે વણકર જ્ઞાતિના લોકો પાલનપુર (વીરપુર) પાસે "સ્વમાન નગર" નામે નવુ નગર વસાવીને રહે છે.

 

"સાંબરડા" ગામના વણકરોનુ આ આંદોલન ખરેખરતો આપણા સમાજનુ એક ઐતિહાસીક પ્રકરણ છે પરંતુ દુર્ભાગ્યથી લોકોને તેની જાણ નથી. સમાજની આવી બાબતોને પ્રકાશીત કરવાનો અમારો આ પ્રયત્ન છે. Reservations in India: Myths and Realities માંથી ઉપરોકત માહિતિ પ્રકાશીત કરવાની અનુમતિ આપવા બદલ લેખક શ્રી. મુલચંદ રાણાનો ખુબ ખુબ આભાર.

વણકરસમાજ પરનો અત્યાચારઃ ગોલાણા હત્યાકાંડ

 

હાલ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાનુ ગોલાણા આમ તો એક નાનક્ડુ ગામ છે પરંતુ જેમ અમૃતસરનો જલિયાવાલા બાગ સ્વતંત્ર ભારત માટે ઝઝુમતા સેંકડો શહિદોનુ સ્મારક છે તેમ ગોલાણા મનુવાદી ભારતમાં સમાનતા - સામાજીક સ્વતંત્રતા માટે લડતા લડતા પોતાના જ દલિતમિત્રોના વિભુષણી કાર્યોને લીધે દરબારોના હાથે બલી બનેલાઓનુ સમાધી સ્થાન છે.


ખેતી પ્રધાન ભારત દેશની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં વસે છે અને હજારો વર્ષોથી જડ બની ગયેલ વિવિધ મનુવાદી પરંપરાઓ મુજબ જીવે છે. હૈદ્રાબાદ યુનિવર્સીટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર શ્રીમતિ સુજાતા પટેલના એક સંશોધન મુજબ ગોલાણા - ખંભાતની આજુબાજુના ચરોતર-ભાલ વિસ્તારની સરકારી જમીન દરબાર તરીકે ઓળખાતા ક્ષત્રિયોના તાબામાં હતી જેઓ પોત-પોતાના વિસ્તારનુ મહેસુલ ઉઘરાવી મુઘલો અને તે પહેલાના શાસકોને આપતા હતા અને સુબેદાર તરીકે સત્તા ભોગવતા હતા. પરંતુ અંગ્રેજોના આગમન બાદ આ જમીનો દરબારોના હાથમાથી પાટીદારોના હાથમાં આવી. પાટીદારો ખેતીના વ્યવસાયીકરણથી મબલખ પાક ઉપજાવી સારી એવી મહેસુલ રકમ અંગ્રેજોની તિજોરીમાં જમા કરતા થયા અને ક્રમશઃ દરબારો હસ્તકની બધી જમીનો અંગ્રેજોની મદદથી મેળવી ખેડા-આણંદ જીલ્લા વિસ્તારના ચરોતર પ્રદેશની સમ્રુધ્ધ અને પ્રભાવશાળી કોમ તરીકે ઉભરી આવ્યા. આઝાદી પછી જમીન અંગેના વિવિધ કાયદાઓ, સુધારાઓ અમલમાં આવ્યા જે મુજબ સરકારની પડતર જમીનોની નિરાશ્રીત કુટૂંબો, વિવિધ સરકારી યોજનાઓ માટે ફાળવણી થવા લાગી. આથી, એકંદરે એક સમયે આ સમગ્ર વિસ્તારમાં સરકારી માલિકિ ભોગવતા દરબારો હવે જમીન વિહોણા બનતા ગયા. અંગ્રેજોના આગમન અને આઝાદી બાદ આ વિસ્તારમાં શિક્ષણનુ પ્રમાણ અને જાગ્રુતિ વધતા એક સમયે આ દરબારોના અત્યાચારોને મુંગે મોઢે સહન કરતા અનુસુચિત જાતિના લોકો પણ હવે એમની સામે થતા થયા. દરબારો વિરુધ્ધ પોલીસ કેસો, તેઓને જેલ વગેરે થવા લાગી જે આ લોકો માટે અસહ્ય હતુ. આ પરીવર્તનથી રોષે ભરાયેલ દરબારોના ભરવાડ, પાટીદાર અને અન્ય  કોમો સાથે ઘર્ષણના કિસ્સા બનવા લાગ્યા. આવા જ એક કિસ્સાનો ભોગ બન્યા હાલ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા ગામના વણકરો, જે "ગોલાણા હત્યાકાંડ" તરીકે ઓળખાય છે.

 


કેસ નંબર ૩૫૪/૧૯૮૭ માં સુપ્રિમ કોર્ટ ન્યાયાધીશ શ્રી એમ.કે.મુખર્જી અને શ્રી એસ.પી.કુર્ડુકરની ખંડપીઠના ૦૪-૦૪-૧૯૯૭ ના ચુકાદા મુજબ.. તત્કાલિન ખેડા જીલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા ખાતે ગુજરાત સરકાર તરફથી ઘર વિહોણા કુટૂંબોને ઘર બાંધવા સરકારી પડતર જમીનમાંથી પ્લોટ ફાળવવામાં આવેલ જે અંગે અનુસુચિત જાતિ વર્ગની બે જ્ઞાતિઓ વણકર અને હરીજન વચ્ચે વિવાદ જન્મેલ અને અગાઉ જણાવ્યું તેમ દરબારો પણ આવી બધી રીતે એક સમયે તેમના તાબામાંની જમીનો બીજાને હસ્તક જવાથી નારાજ હતા જ. બનાવના દિવસ ૨૫-૦૧-૧૯૮૬ ના રોજ સવારે ૮-૯ વાગ્યે હરીજન અને વણકર જ્ઞાતિના લોકો વચ્ચે આ જમીન બાબતે ઝઘડો થયો એમાં એક હરીજને વણકર ઇચ્છાભાઇને ધારીયુ મારી ઘાયલ કરી ભાગી ગયો. ઘાયલ ઇચ્છાભાઇ સમાજસેવી વણકર શ્રી પોચાભાઇ ચૌહાણ સાથે ૨૫ કિલોમીટર દુર ખંભાત પોલીસ સ્ટેશને આ અંગે ફરીયાદ કરાવા જતા હતા ત્યારે
બસ સ્ટૅન્ડ પર ગામના હરીજન લોકો દરબાર અને ઓબીસી વાઘરી કોમના લગભગ ૧૦૦-૨૦૦ લોકોને લઈને, “ઢેડાઓને મારી નાખો” ની બુમો પાડતા ત્યાં આવી પહોંચ્યા અને તેમની પર હુમલો કર્યો. પરીસ્થિતિની ગંભીરતા માપી જતા ઇચ્છાભાઇ, પોચાભાઇ અને તેમની સાથેના મિત્રો જીવ બચાવવા વણકરવાસ તરફ ભાગ્યા. હરીજનો સાથે આવેલ દરબારો અને વાઘરીઓનુ ટોળૂ પણ એમનો પીછો કરતા વણકરવાસ પહોંચ્યુ. આ બધુ જોઇ વણકરવાસમાં ભાગદોડ મચી ગઈ. બંદુક અને અન્ય મારકણા હથીયાર લઇને આવેલ હરીજનો-વાઘરીઓ-દરબારોના ટોળાએ ગોળીબારમાં ૪ વણકરો પોચાભાઇ ચૌહાણ, પ્રભુદાસ, ખોડાભાઇ અને મોહનભાઇની હત્યા કરી અને ૧૩ જેટલા વણકરોને ગંભીર ઇજાઓ કરી તેમજ વણકરવાસના ઘરોને સળગાવી મુક્યા.


સ્વંતંત્ર ભારતના શાંતિપ્રિય ગુજરાત રાજ્યના આ ક્રુર દલિત હત્યાકાંડમાં કુલ ૪૧ લોકો સામે TADA, એટ્રોસીટી, હત્યા અને અન્ય કલમો હેઠળ ગુન્હો નોંધી કેસ ચાલેલ જેમાં ૫ આરોપીઓ અનુસુચિત જાતિના હરીજન હતા (!!!) ૭ ઓબીસી વાઘરી હતા અને અન્ય ૨૮ દરબારો હતા. લગભગ દસ વર્ષ ચાલેલ કેસમાં, વણકર સાક્ષીઓની નિર્ભયપણી જુબાની અને અન્ય પુરાવાના આધારે અંતે સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને મંજુર રાખતા દરબાર કોમના આરોપી ચંદુભાઇ માલુભાઇ પરમાર, જમુભાઇ દોડિયા, નાથુભાઇ પ્રતાપસિંહ પરમાર, પ્રતાપસિંહ અમરસિંહ પરમાર, અમરસિંહ તખતસિંહ પરમાર, ધીરુભાઇ માવુભાઇ પરમાર, ખેરસંગ નાથુભાઇ પરમાર, અમરસંગ દિપસિંહ પરમાર, રણછોડભાઇ રામાભાઇ પરમાર, નાથુભાઇ રામભાઇ પરમાર, અભેસિંગ મવુભાઇ પરમારને આજીવન કેદની સજા યથાવત રાખેલ.

 

આ બનાવનુ વિશ્ર્લેષણ કરીએ તો જાતિવાદી પ્રથાની અમાનવિયતાના ભારોભાર દર્શન થાય છે. વધુમાં હિંદુ વર્ણવ્યવસ્થામાં અતિશુદ્ર ગણાતા દલિતવર્ગમાં પણ એકદમ નીચલી પાયરીના ગણાતા હરીજનોએ સવર્ણ દરબારોનો સાથ લઈને પોતાના જેવા જ દલિતવર્ગના વણકરો પર અત્યાચાર આચર્યો તે અંગે શુ કહેવુ?  અનુસુચિત જાતિના નામે સમગ્ર દલિતવર્ગને સંગઠિત કરવા માંગતા લોકોએ નોંધવુ રહ્યુ કે સમય સંજોગ સાથ આપે તો જે સવર્ણોના લીધે તેઓ અછુત બન્યા તેઓ સાથે હાથ મીલાવી દલિતવર્ગની જ્ઞાતિઓ જ અન્ય દલિતોને રંજાડવામાં કશુ બાકી નથી રાખતી. બીજુ આરોપીઓમાં ૭ વાઘરીઓ હતા તે પણ SC-ST-OBC એક્તા મંચ માટે બુમો પાડતા રાજકારણીઓએ જોવુ રહ્યુ. તત્કાલિન અમરસિંહ ચૌધરી સરકારમાં ગુજરાતની બહુમતિ અનુસુચિત જાતિના વણકરોને ગોલાણા (આણંદ) અને સાંબરડા (બનાસકાંઠા) એમ બે સ્થળોએ અત્યાચારનો સામનો કરવો પડેલો. આ બધી બાબતોથી એક જ વાતનો બોધ પાઠ લેવો કે વણકરસમાજ સંગઠિત બનશે તો જ ટકશે બાકિ સવર્ણો તો સવર્ણો પણ દલિતવર્ગની અન્ય જ્ઞાતિઓ પણ અવસર મળ્યે આપણી સાથે ગોલાણાવાળી કરવામાં પાછુ નહિ જોવે. - જય વીરમાયા

 

It is a great pleasure to announce the launching of www.VankarSamaj.com, which has globally taken place to provide full information about our VANKAR community covering not only Gujarat but also every corner of India. And I take this opportunity to appreciate the team of www.VankarSamaj.com who has taken keen interest in launching this worldwide site as a universal identity of Vankar people.
Suresh I. Sutaria
General Secretary
Gujarat Vankar Seva Samaj : Baroda Unit

KEEP VISITING US FOR MORE INFORMATION

© Copyright 2009 - www.VankarSamaj.com